વહેલી ચૂંટણી યોજાશે નહીં, 2019માં ભાજપ ફરીથી જીતશેઃ ભાજપ અધ્યક્ષનો દાવો

નવી દિલ્હી: એક ખાસ મુલાકાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશમાં નિર્ધારિત સમય પહેલાં સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજવામાં આવશે નહીં એમ જણાવીને મધ્યવર્તી ચૂંટણી આવવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

અમિત શાહે મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષોની એકતા સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં વિપક્ષોની એકતા બધાંએ જોઇ લીધી છે. અમિત શાહે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયનો દાવો પણ કર્યો હતો.

તેમણે એનડીએના સાથી પક્ષો નારાજ હોવાના દાવાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે તમામ ઘટક સાથી પક્ષો સંગઠિત છે. એનડીએમાં કોઇ પણ પ્રકારની ક્યાંય તિરાડ કે મતભેદ નથી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વાસ્તવમાં ર૦૧૪ કરતાં અત્યારે એનડીએની એકતા વધુ મજબૂત છે અને અમારી સ્થિતિ પણ વધુ મજબૂત છે.

અમારો પ્લાન એકેએક બૂથ પર ભાજપને મજબૂત કરવાનો છે. ભાજપ જો મજબૂત થશે તો સાથી પક્ષોને પણ ચૂંટણી જીતવામાં મદદરૂપ રહેશે. ર૦૧૯ની ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે દેશની જનતા ર૦૧૯માં મોદી સરકારને ફરીથી બહુમતી આપશે. અમે પ્રજા સમક્ષ અમારા પાંચ વર્ષના કામકાજનો હિસાબ રજૂ કરીશું અને સાથે-સાથે આગામી પાંચ વર્ષ માટે વિકાસની રૂપરેખા જનતા સમક્ષ રજૂ કરીશું.

પ્રજાની આંખો અને લાગણી બંને બતાવે છે કે તેઓ મોદી સરકારને ફરીથી જીતાડવા જઇ રહી છે. ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અમે ર૦૧૪થી પણ વધુ મોટી બહુમતી હાંસલ કરીશું. દેશની જનતાએ મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવાનો નિર્ણય લઇ લીધો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આક્રમક વ્યૂહ રચના અપનાવી છે તે જોતાં ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકળો થઈ રહી હતી, પરંતુ ભાજપ અધ્યક્ષે તેના પર પૂર્ણવિરામ મૂક્યું છે.

You might also like