શાહનું આજે અમદાવાદમાં આગમન, સુરક્ષાનો છે ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અમદાવાદ મુલાકાતને લઈને રિવરફ્રન્ટ ખાતે જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. પોલીસ અને ટ્રાફિક વિભાગે પોતાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. અમિત શાહના કાર્યક્રમને લઈને પોલીસે ત્રીસ્તરીય સુરક્ષા ગોઠવી છે.

જે અંતર્ગત 1100 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. જેમાં 200 જેટલા ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત રહેશે. આ સિવાય 11 JCP, 8 PI અને 2 DCP કક્ષાના અધિકારીઓ બંદોબસ્ત પર દેખરેખ રાખશે. તો બીજીતરફ ટ્રાફિક વિભાગે પણ પોતાની તૈયારીઓ કરી દીધી છે. ટ્રાફિક વિભાગે પશ્ચિમ તરફનો રિવરફ્રન્ટનો રસ્તો આવતીકાલના કાર્યક્રમને લઈને સામાન્ય જનતા માટે બંધ કર્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. યુપીમાં વિજય બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. જેને લઈને શાહના સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બપોરે 2 કલાકે અમિત શાહનુ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જે બાદ રિવરફ્રન્ટ પર 3 વાગ્યે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનમાં શાહ ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન આપશે.

કાર્યક્રમમાં બુથ લેવલના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે. જે બાદ 30 તારીખે શાહ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે. વિધાનસભામાં તેમની હાજરીને લઈને મોટી જાહેરાતો કરાવાનું પણ સરકાર એલાન કરી ચુકી છે. તે બાદ સાંજે અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ સહિત હોદ્દેદારો અને મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ હાજરી આપશે.

http://sambhaavnews.com/

You might also like