અમિત શાહ સહપરિવાર અમદાવાદમાં દિવાળી મનાવશે

અમદાવાદ: બિહારના અત્યંત રસાકસીભર્યાં ચૂંટણી જંગના પરિણામ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમિત શાહ દિપોત્સવનો તહેવાર સહપરિવાર અમદાવાદમાં માણવાના છે. તાજેતરમાં સોમનાથ ખાતે સોમનાથ દાદાના પૂજન-અર્ચન કરવા ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ અમદાવાદ પણ આવ્યા હતા. અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને મેયર સહિતના કોર્પોરેશનના ઉચ્ચ પદાધિકારીઓ, મંત્રીઓ, ધારાસબ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. તે વખતે જે તે વોર્ડના ઉમેદવારોની પસંદગીની અંતિમ પ્રક્રિયા ચાલતી હોવાથી પક્ષના અસંતુષ્ટોએ પણ તેમની સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

કોંગ્રેસના સાબીર કાબલીવાલા જેવા અસંતુષ્ટોએ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત લઇને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. હવે દિવાળીના સપરમા દિવસોને પરિવાર સાથે આનંદ માણવા તેઓ અમદાવાદ આવ્યા છે. આજે મોડી રાત્રે અમદાવાદ આવેલા અમિત શાહનું પક્ષના અનેક અગ્રણીઓ- કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિવાળીનો પ્રકાશોત્સવનો તહેવાર, નૂતન વર્ષ તેમજ ભાઇબીજનો તહેવાર પરિવાર સાથે રંગેચંગે ઉજવવાના છે. જો કે રાજકીય વર્તુળોમાં અમિત શાહની અમદાવાદ મુલાકાતના પગલે અનેક તર્ક વિતર્ક પણ ઊઠ્યા છે. અમદાવાદ મનપાની ચૂંટણીની સાથે પણ તેમની અમદાવાદ મુલાકાતને કેટલાક રાજકીય વર્તુળો સાંકળી રહ્યાં છે.

You might also like