TDPના અલગ થવા પર અમિત શાહે બોલાવી બેઠક, આંધ્રના નેતાઓ ઉપસ્થિત રહેશે

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ સમર્થન પરત લેવાનો કરેલા નિર્ણયને લઇને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળવાના કારણે ટીડીપીએ આ નિર્ણય લીધો છે.

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શનિવારે સવારે બેઠક બોલાવી છે. આ બેઠકમાં આંધ્ર પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ અગાઉ ટીડીપીએ આજરોજ સવારે એનડીએથી અલગ થવાની જાહેરાત કરી હતી. આંધ્ર પ્રદેશને કેન્દ્ર દ્વારા વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના ઇન્કાર બાદ ટીડીપીના બે મંત્રીઓએ અઠવાડિયા પહેલા મોદી સરકારમાંથી રાજીનામા આપી દીધા હતા. ત્યારબાદ પાર્ટીએ એનડીએ છોડવાનો નિર્ણય કર્યો હતો.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે આંધ્ર પ્રદેશને લઇને કરેલો વચનો પુરા કર્યા નથી અને પ્રદેશ સાથે અન્યાય કર્યો. આ સાથે ટીડીપી એનડીએ વિરુધ્ધ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા અંગેની જાહેરાત કરી ચૂક્યું છે. જો કે શુક્રવારે સંસદમાં હંગામાના કારણે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકાયો નથી. ટીડીપીના અવિશ્વાસ પ્રસ્તાવનો મકપા, કોંગ્રેસ, ટીએમસી, વાઇએસઆર કોંગ્રેસે સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

You might also like