અમિત શાહની ઉપસ્થિતિમાં આજે પ્રદેશ ભાજપના નવા સંગઠન અંગે ચર્ચા

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. પૂજ્ય પ્રમુખ સ્વામીજીની અંતિમયાત્રામાં હાજર રહેવા અમદાવાદ આવેલા અમિત શાહે આજે શહેરમાં તેમના નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં સોલા હાઉસિંગ વિસ્તારમાં આવેલા આકાશગંગા પાસેના ગાર્ડનમાં ગ્રીન એકશન પ્લાન અંતર્ગત પીપળા અને વડના વૃક્ષોનું રોપણ કર્યું હતું.

આજે સવારે પક્ષના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અમિત શાહના નિવાસસ્થાને ગયા હતા. એક બેઠક બાદ તેઓ બંનેએ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી, શહેર પ્રમુખ જગદીશ પંચાલ, મેયર ગૌતમ શાહ, શહેરના ધારાસભ્યો, વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયા, કોર્પોરેટરો સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો સાથે સ્થાનિક રહીશો ઊમટી પડ્યા હતા. અમિત શાહે બીલીપત્ર અને પીપળાનાં વૃક્ષો ઉગાડવાનો વિચાર આપ્યો હોઈ આજે પણ તેમના હસ્તે પીપળા-વડના વૃક્ષો રોપાયાં હતાં. કાર્યક્રમ સ્થળે અમિત શાહે નારણપુરાના તેમના મતદારોને ઉદ્દેશીને કહ્યું હતું કે મારી જવાબદારી વધી છે તેથી પૂરતો સમય ફાળવી શકતો નથી પરંતુ તમારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું. હિંદુ સંસ્કૃતિમાં શરૂઆતથી જ પ્રકૃતિની વાત કરાઈ છે. ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે ખતરારૂપ છે. મને અહીં સામાન્ય કાર્યકર જેવો અનુભવ થાય છે.

આજે બપોરે પ્રદેશ કાર્યાલય ‘કમલમ્’ ખાતે પક્ષની કોર કમિટીની એક બેઠક આયોજિત કરાઈ છે, જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સંગઠન, મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલ, પક્ષના પ્રભારી દિનેશ શર્મા, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા અને રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી. સતીશ મળશે. આજની બેઠકનો મુખ્ય એજન્ડા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના નેતૃત્વના હેઠળના સંગઠનનું માળખું રચવાનો રહેશે.

ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૧૭માં યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને સંગઠનનું માળખું આગામી સપ્તાહે જાહેર કરી દેવાશે. આભારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર સાથે નવા ચહેરાઓ, યુવા નેતાઓનો સમાવેશ કરાશે. આ ઉપરાંત ૨૦૧૭ની ચૂંટણીની રૂપરેખા અને માર્ગદર્શન પણ ચર્ચાનો અગત્યનો મુદ્દો રહેશે. ઉપરાંત પાટીદાર-દલિત વગેરે મુદ્દાઓ પણ ચર્ચાશે.
કોર કમિટીની બેઠક બાદ આજે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનાે સ્વાગત-સન્માન સમારંભ પ્રેક્ષા ભારતી ખાતે યોજાયો છે તેમાં કોર કમિટીના તમામ સભ્યો હાજરી આપશે.

વાઘાણીના સ્વાગત કાર્યક્રમમાં દરેક જિલ્લામાંથી કાર્યકર્તાઓ-આગેવાનો કોબા આવી પહોંચ્યા હતા. વિવિધ સમાજના આગેવાનો, જિલ્લા પ્રભારીઓ, સરપંચ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ સહિતની હાજરીમાં ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરાયંુ છે. પક્ષના પક્ષના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં પક્ષના પ્રમુખ જીતુ વાઘાણીનું ભવ્ય સ્વાગત કરાશે.

You might also like