અમિત શાહ ૧૧ મેએ સિંહસ્થ કુંભમાં દલિતો સાથે સ્નાન અને ભોજન કરશે

ઉજ્જૈન: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોતાનો દલિત એજન્ડા આગળ વધારતાં ભાજપના પ્રમુખ અમિત શાહ સિંહસ્થ કુંભમાં દલિતો સાથે ‌િક્ષપ્રા નદીમાં પવિત્ર સ્નાન કરશે. ૧૧ મેના રોજ શાહી સ્નાન સાથે અમિત શાહ દલિત ધર્મગુરુઓ અને સંતો-મહંતો સાથે ભોજન પણ કરશે.

શંકરાચાર્ય જયંતી પર આયોજિત આ કાર્યક્રમ માટે પ૧ દલિત ધર્મગુરુઓને બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ અને શંકરાચાર્યએ આને હિંદુ સમાજના ભાગલા પાડવાની કવાયત હોવાનું જણાવ્યું છે. આજકાલ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આસ્થાનો સિંહસ્થ કુંભમેળો જામ્યો છે. અહીં ‌િક્ષપ્રા નદીના કિનારે વિવિધ સાધુઓ, સંતો-મહંતો, શાહી સ્નાન અને હોમ-હવન વચ્ચે આસ્થા, દેશભકિત અને સામાજિક સમરસતાનો મહાકુંભ ચાલી રહ્યો છે. સિંહસ્થ કુંભમાં ઘણી બાબતો પ્રથમ વખત થઇ રહી છે. જેમાં દલિત-સંતો-મહંતો સાથે અલગ સ્નાન અને ભોજન માટે ભાજપના પ્રમુખ અમિત શાહના આમંત્રણનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ૧૧ મેના રોજ અમિત શાહ દલિતોના વાલ્મીકિ ધામથી ‌‌િક્ષપ્રાના ઘાટ સુધી શોભાયાત્રા પણ યોજશે.

મધ્યપ્રદેશ ભાજપના પ્રવકતા ડો.હિતેશ વાજપેયીના જણાવ્યા પ્રમાણે અમિત શાહ વાલ્મીકિ ધામ જશે, શોભાયાત્રામાં ભાગ લેશે અને અનુસૂચિત જાતિના ધર્મગુરુઓ અને સંતો સાથે કુંભ સ્નાન કરીને સહભોજન કરશે.

You might also like