અમિત શાહ-અડવાણી, સુષમા સ્વરાજ ચૂંટણી નહીં લડે: આજે ભાજપની યાદી જાહેર થવાની શક્યતા

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી સાવ નજીક છે ત્યારે આ રાજકીય માહોલમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે આ વખતે કયા કયા નેતા ચૂંટણી લડશે અને કયા દિગ્ગજોની ટિકિટ કપાશે? ગઈ કાલે મંગળવારે મોડી રાત સુધી ભાજપની ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. ભાજપના ઉમેદવારોની કોઈ યાદી તો જારી કરવામાં નથી આવી પણ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ સામે ચાલીને લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.

મોડી રાતના એક વાગ્યા સુધી ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સૌથી પહેલાં એ ચહેરાઓની રાજકીય તાકાત અને નબળાઈઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમને ભાજપ લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારવા ઈચ્છતો જ નથી. પીએમ મોદીના ગઢ અને સીએમ યોગી આદિત્યનાથના કેસરિયા કિલ્લા ઉત્તરપ્રદેશની યાદી તેમાં સૌથી ઉપર હતી.

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું નામ આ યાદીની ટોચમાં હતું. સૂત્રોનો દાવો છે કે મુરલી મનોહર જોશીની દાવેદારી ન થવા પાછળનું કારણ પણ અગત્યનું છે. ૮પ વર્ષના જોશી પહેલી વખત ૧૯૭૭માં લોકસભા માટે ચૂંટાયા હતા. તેમની જૈફ વયના કારણે પણ પાર્ટી હાઈકમાન્ડ હવે તેમને આરામ આપવાના પક્ષમાં છે. જોશીને ભાજપના માર્ગદર્શક મંડળમાં રખાશે પણ લોકસભા ચૂંટણી નહીં લડાવાય.

આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ લોકસભા ચૂંટણી નહીં લડે તેવું પક્ષનાં ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. શાહે સામે ચાલીને ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. લાલકૃષ્ણ અડવાણીએ પણ ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધતી ઉંમરને આગળ ધરીને ઈનકાર કર્યો હતો. ૯૧ વર્ષના અડવાણી છઠ્ઠી વખત ગાંધીનગરના સાંસદ છે. અડવાણીના પુત્ર જયંત અથવા પુત્રી પ્રતિભા ચૂંટણી લડી શકે છે.

મધ્યપ્રદેશની વિદિશા બેઠક પરથી સુષમા સ્વરાજ ચૂંટણી નહીં લડે. તબિયતના કારણે તેમણે આ નિર્ણય કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતા શાંતાકુમાર પણ આ લોકસભા ચૂંટણી નહીં લડે. ૮૪ વર્ષના શાંતાકુમાર હિમાચલપ્રદેશની કાંગડા બેઠકના સાંસદ છે. આ ઉપરાંત ઉત્તરાખંડની પૌડી સીટ પરથી બી.સી. ખંડૂરી અને વરિષ્ઠ નેતા ભગતસિંહ કોશ્યારીએ પણ સામેથી જ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાનપુરથી મુરલી મનોહર જોશીના સ્થાને ભાજપ સતીશ મહાનાને ટિકિટ આપે તેવી શક્યતા છે. સતીશ મહાના હાલ યોગી કેબિનેટમાં પ્રધાન છે અને ર૦૦૯માં તેઓ બહુ ઓછા મતથી કોંગ્રેસના શ્રીપ્રકાશ જયસ્વાલ સામે હાર્યા હતા. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધનને જોતાં મોદી-શાહની જોડી કોઈ ચાન્સ લેવા તૈયાર નથી. દેશના આ સૌથી મોટા રાજ્યમાંથી વધુ ને વધુ બેઠક મળે તેવા પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોનો દાવો છે કે ભાજપ ઉત્તરપ્રદેશમાં ૧૮ વર્તમાન સાંસદોની ટિકિટ કાપી શકે છે.

You might also like