અમિષા પટેલનું પટિયાલા કનેક્શન

ફિલ્મ ‘ગદર એક પ્રેમકથા’ માટે પંજાબમાં શૂટિંગ કર્યાના લગભગ દોઢ દાયકા બાદ અમિષા પટેલ આજે ફરી પંજાબ સાથે પોતાના સંબંધ મજબૂત કરી રહી છે. ‘ગદર એક પ્રેમકથા’નું મોટા ભાગનું શૂટિંગ પંજાબમાં થયું હતું, જેનો તેણે ભરપૂર આનંદ લીધો હતો. હવે તે બોક્સ ક્રિકેટ લીગ-પંજાબની રોટલ પટિયાલવી નામની ટીમનો ચહેરો અને તેની સહમાલિક બની ગઇ છે. આ લીગના માલિક સુમિત દત્તના જણાવ્યા અનુસાર આ લીગ પંજાબી મનોરંજનનો ચહેરો બદલી નાખશે, કેમ કે પ્રખ્યાત પંજાબી સેલિબ્રિટીઝ, ફિલ્મી સ્ટાર્સ તથા દુનિયાભરના સંગીતકાર તેની સાથે જોડાયા છે. અમિષા પહેલેથી જ પંજાબીઓમાં ખૂબ લોકપ્રિય રહી છે. હવે આ ટીમ સાથે તે ફરી વખત દિલ ચોરવા આવી રહી છે.

અમિષા પટેલ પોતાના હોમ પ્રોડક્શન હેઠળ જે પહેલી ફિલ્મ ‘દેશી મેજિક’ની તૈયારી કરી રહી છે તેનું શૂટિંગ પણ પંજાબમાં થયું છે, આ પણ એક સંયોગ હોઇ શકે. આ ઉપરાંત તે સની દેઓલ સાથે ફરી એક વાર ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળશે. અમિષા અત્યારે પોતાના નવા કામને લઇને ખાસ્સી ઉત્સાહિત છે. તે ખૂબ જ જલદી પટિયાલાયાત્રાની યોજના બનાવી રહી છે. ત્યાં તે પોતાની ટીમને ઓફિશિયલી લોંચ કરશે. અમિષાની કોશિશ છે કે તે ફિલ્મો ઉપરાંત પણ અન્ય ક્ષેત્રોમાં પગપેસારો કરી શકે, કેમ કે તે જાણે છે કે ફિલ્મોમાં હવે તેનું બહુ ભવિષ્ય નથી. •

You might also like