અમેઠીમાં એક જ પરિવારના ૧૧ સભ્યની ગળાં કાપી હત્યા

અમેઠી: અમેઠી જિલ્લાના બજાર શુકલ વિસ્તાર હેઠળના મહોના ગામમાં કમકમાટી ભરી ઘટનામાં અેક જ પરિવારના ૧૧ લોકોનાં ગળાં કાપી હત્યા કરવામાં ‍આવી હોવાનું બહાર આવતાં ભારે અરેરાટી સાથે હાહાકાર મચી ગયો છે. જેમાં પરિવારના મોભીની હત્યા બાદ તેના મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનામાં મરનારાંમાં આઠ બાળકનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હત્યા પહેલાં પરિવારજનોને નશીલો પદાર્થ ખવડાવવામાં આવ્યો હશે.

મહોના ગામમાં બનેલી આ ઘટના બાદ ડીઆઈજી અને અન્ય ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં આવી ઘટના પહેલીવાર જ બનતાં ગામમાં ભારે હાહકાર મચી ગયો છે અને અરેરાટી સાથે આવી ઘટનાને અંજામ આપનારા લોકો સામે રોષ વ્યકત થઈ રહ્યો છે. આ પરિવારના મોભી અને વડીલ જમાલુદીન બેટરીનું કામ કરતા હતા. આ ઘટનામાં મરનારા છ બાળક પૈકી બે બાળક તેના ભાઈના છે. અને બાકીનાં ચાર બાળક તેમનાં છે. આ ઘટનામાં એક મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાંં આવ્યાં છે. તેથી તેઓ ભાનમાં આવ્યા બાદ આ ઘટના અંગેની સાચી હકીકતો બહાર આવશે. આ ઘટના બાદ ગામમાં આવી પહોંચેલી પોલીસે ગ્રામ્યજનોનાં નિવેદન લઈ તપાસ હાથ ધરી છે. મરનારાંમાં બે મહિલા, એક પુરુષ, અને આઠ બાળકનો સમાવેશ થાય છે.

આ અગાઉ પણ સપ્ટેમ્બર ૨૦૧૬માં બરેલીમાં હત્યાની ઘટના બહાર આવી હતી. ત્યારે હફીઝગંજ પોલીસ મથક હેઠળના તેહરા ગામમાં એક પરિવારના પાંચ સભ્યની હત્યા થઈ હતી. જોકે આજે બનેલી ઘટનામાં એક સાથે ૧૧ વ્યકિતની હત્યાથી ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like