અમેરિકનોને ખંખેરતું વધુ એક કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ: મુંબઈના થાણેમાંથી ઝડપાયેલા કોલ સેન્ટર કૌભાંડમાં અનેક ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદના યુવકોનાં નામ બહાર આવ્યાં હતાં. આ કૌભાંડ બાદ શહેર પોલીસે સપાટો બોલાવતાં અનેક કોલ સેન્ટર બંધ થઈ ગયાં હતાં, પરંતુ હજુ પણ ખૂણેખાંચરે અનેક કોલ સેન્ટર ધમધમી રહ્યાં છે. આંબાવાડી વિસ્તારમાં સી.એન. વિદ્યાલય નજીક પ્રેસિડેન્ટ હાઉસમાં ચાલતા કોલ સેન્ટર પર ગત રાત્રે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી સંચાલકો, બે યુવતી સહિત ૧૬ શખસોને ઝડપી પાડતા હતા. આરોપીઓ અમેરિકાના નાગરિકોનો ઓનલાઈન ડેટા મેળવીને તેમને મેસેજ મોકલતા હતા. બાદમાં લોન અને ટેક્સબિલ ભરવાના બહારને છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. જાડેજાને બાતમી મળી હતી કે આંબાવાડીના સી.એન. વિદ્યાલય નજીક પ્રેસિડેન્ટ હાઉસ નામના બિલ્ડિંગમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલી રહ્યું છે, જેના આધારે ટીમો બનાવી પોલીસે પ્રેસિડેન્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો. પોલીસે બે યુવતી, સંચાલક સોમનાથ દુબે, સાગર મહેતા નામના યુવક સહિત ૧૬ જેટલા લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે કમ્પ્યૂટર સેટ, મોબાઈલ ફોન, વોઈસ જેક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. એમ. જાડેજાએ જણાવ્યું હતું કે આરોપી સોમનાથ દુબે આ કોલ સેન્ટર ચલાવતો હતો. ઓનલાઈન ડેટા મેળવી વોઈસ મેસેજ અમેરિકાના નાગરિકોને મોકલતા હતા. જે વ્યક્તિ ફોન કરે તેને લોન અને ટેક્સબિલના બહાના હેઠળ જાળમાં ફસાવીને એક એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવતા હતા. આ કોલ સેન્ટર તેઓ કેટલા સમયથી ચલાવતા હતા તેમજ ઓનલાઈન ડેટા કોની પાસેથી મેળવતા હતા તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ રીતની મોડસ ઓપરેન્ડી દ્વારા અમેરિકનો પાસેથી પૈસા પડાવતા કોલ સેન્ટરનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો, જેમાં વટવા વિસ્તારની આસપાસ વૈભવી કારમાં બેસી યુવકો કોલ સેન્ટર ચલાવતા હતા.
http://sambhaavnews.com/

You might also like