અમેરિકાની વિઝા નીતિથી ભારતીય કંપનીઓની મુશ્કેલી વધશે

મુંબઇ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘બાય અમેરિકન હાયર અમેરિકન’ અભિયાન અંતર્ગત એચ વન-બી વિઝાના નિયમોને સખત બનાવી દેતાં ભારતીય આઇટી કંપનીઓને વધુ ખર્ચનો સામનો કરવો પડી શકે છે એટલું જ નહીં, સ્વદેશમાં કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા પણ પડી શકે છે. વળી, ડોલર સામે રૂપિયામાં આવેલી મજબૂતાઇથી આઇટી કંપનીઓની મુશ્કેલી વધી ગઇ છે.

એસોચેમે જાહેર કરેલા એક રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે આઇટી સેક્ટરમાં ૮૬ ટકા એચ વન-બી વિઝા ભારતીયોને મળતા હતા. હવે આ આંકડો ૬૦ ટકા અથવા તેના કરતાં પણ નીચે આવી શકે છે. અમેરિકામાં ભારતીયો દ્વારા થતી કમાણી અને દેશમાં મોકલવામાં આવતા કમાણીનાં નાણાંમાં ઘટાડો થશે, જેનાથી નાણાકીય સંતુલન જોખમાશે. ભારતમાં એક અંદાજ મુજબ ૧૦.૯૬ અબજ ડોલર અમેરિકા થકી આવી રહ્યા છે. હવે અમેરિકાની નીતિ બદલાતાં તેમાં આઠથી દશ ટકા ઘટાડો નોંધાશે. રૂપિયામાં જેમ જેમ મજબૂતાઇ જોવાતી જશે તેમ તેમ ભારતીય આઇટી કંપનીઓએ કર્મચારીઓને ઘટાડવા મજબૂર થવું પડી શકે છે.

એસોચેમના મહાસચિવ ડી.એસ. રાવતના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની પરિસ્થિતિમાં છટણી થવાની સ્પષ્ટ સંભાવના છે. સરકારે હાલત સુધારવા સંયુક્ત રણનીતિ પર કામ કરવાની જરૂર છે. પાછલા ત્રણ મહિનામાં રૂપિયો પાંચ ટકા મજબૂત થયો હતો અને તેના કારણે સોફ્ટવેર નિકાસકારોની આવકમાં પણ ઘટાડો નોંધાયો હતો.
http://sambhaavnews.com/

You might also like