પાક.ને USની કડક ચેતવણીઃ આતંકવાદીઓનો સફાયો કરો

(એજન્સી) વોશિંગ્ટન: પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશના અડ્ડાઓ પર ભારતના હવાઇ હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાનને પોતાને ત્યાં ઊછરી રહેલાં આતંકી સંગઠનો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપી છે. ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને જણાવ્યું છે કે પાેતાની ધરતી પર હજુ પણ મોજુદ આતંકીઓનો ખાતમો કરે.

આ નિવેદન એવે સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે ટ્રમ્પ પ્રશાસન હવાઇ હુમલા બદલ ભારત વિરુદ્ધ નિવેદન કરશે, પરંતુ પાકિસ્તાનની આ આશા પર પાણી ફરી વળ્યું છે. આ અગાઉ પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહંમદ કુરેશીએ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ મુદ્દે વાત પણ કરી હતી.

પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાનના અહેવાલ અનુસાર કુરેશીએ પોમ્પિયો સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત પોતાનાે રાજકીય હેતુ સાધવા અને ચૂંટણી માટે દ‌િક્ષણ એશિયાની શાંતિને ખતરામાં મૂકી રહ્યું છે.

દરમિયાન ભારતના પાકિસ્તાન પરની એર સ્ટ્રાઇક અંગે સંયુકત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન હવે મહત્તમ સંયમ જાળવે. તેમણે જણાવ્યું હતું કે સંયુકત રાષ્ટ્રસંઘ બંને દેશોની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સંયુકત રાષ્ટ્ર સંઘના પ્રવકતાએ જણાવ્યું હતું કે મહામંત્રીએ ભારત અને પાકિસ્તાનને મહત્તમ સંયમ રાખવાની અપીલ કરી છે જેથી હવે સ્થિતિ વધુ વણસે નહીં.

આ બાજુ વિકિલિકસ દ્વારા લીક કરવામાં અમેરિકન સંરક્ષણ વિભાગની એક ગોપનીય ફાઇલ પરથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે લગભગ ૧પ વર્ષ પહેલાંની આ ફાઇલમાં પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ એ મોહંમદના મોટા આતંકી કેમ્પનો ઉલ્લેખ થયો છે.

You might also like