અમેરિકન ખેલાડીઓને ડોપિંગની મંજૂરી મળી છે

મોસ્કોઃ રશિયન હેકિંગ ગ્રૂપ ‘ફેન્સી બિયર્સ હેક ટીમ’એ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે તેણે વર્લ્ડ ડોપિંગ એજન્સી (વાડા)નો ડેટાબેઝ હેક કર્યો છે, જેના પરથી જાણવા મળ્યું છે કે અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ, તેની બહેન વીનસ વિલિયમ્સ અને રિયોમાં ચાર ગોલ્ડ મેડલ જીતનારી જિમનાસ્ટ સિમોન બાઇલ્સને પ્રતિબંધિત દવાઓનું સેવન કરવાની મંજૂરી મળી હતી.

હેક ટીમે દાવો કર્યો છે કે તેણે અમેરિકન એથ્લીટ સાથે જોડાયેલી ઘણી ફાઇલ્સને હેક કરી છે, તેના પરથી આ સનસનાટીભરી વાતો જાણવા મળી છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વિશ્વની ભૂતપૂર્વ નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને ૨૦૧૦, ૨૦૧૪ અને ૨૦૧૫માં ઓક્સિકોડોન, હાઇડ્રોમોફરેન, પ્રેડનિસોન અને મિથાઇલપ્રેડનિસોલોનના સેવનની મંજૂરી મળી હતી. આ ઉપરાંત સિમોન બાઇલ્સ તો એક વાર ડોપિંગમાં નિષ્ફળ પણ રહી હતી. આમ છતાં તેને અયોગ્ય ઠેરવવામાં આવી નહોતી. જ્યારે સેરેનાની બહેન વીનસને ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં પ્રેડનિસોન, પ્રેડનિસોલોન અને ટ્રાયમસિલોન જેવી દવાઓનું સેવન કરવાની મંજૂરી મળી હતી.

બાઇલ્સ આ વર્ષે ઓગસ્ટમાં મેથિલફેન્ડિનેટના સેવન બદલ દોષી જણાઈ હતી, પરંતુ તેને અયોગ્ય જાહેર કરવામાં આવી નહોતી. ૨૦૧૩ અને ૨૦૧૪માં તેને ડેક્સ્ટ્રોએમ્ફેટામાઇનના સેવનની મંજૂરી મળી હતી એટલું જ નહીં, બાઇલ્સ ઓગસ્ટ-૨૦૧૬માં કરાયેલા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી.

હેક સાઇટે દાવો કર્યો છે કે અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર એલેના ડેલે ડોનેના ડ્રગ ટેસ્ટથી જાણવા મળ્યું છે કે તેણે પણ એમ્ફેટેમાઇનનું સેવન કર્યું હતું. આ ઉપરાંત તે ૨૦૧૪માં હાઇડ્રોકાર્ટિસોનના સેવન બદલ દોષી ઠરી હતી. આ એક પ્રતિબંધિત દવા છે.

You might also like