અમેરિકાના ગુરુદ્વારામાં તોડફોડ કરનાર નિર્વસ્ત્ર શખ્સની ધરપકડ

વોશિંગ્ટન: અમેરિકાના વોશિંગ્ટનના એક ગુરુદ્વારામાં નિર્વસ્ત્ર હાલતમાં ઘૂસેલા એક શખ્સે ગુરુદ્વારામાં રહેલી શીખ ધર્મની પવિત્ર વસ્તુઓનું અપમાન કર્યું હતું અને તોડફોડ મચાવી હતી. આ ઘટનાને શીખ સમુદાયના અનેક નેતાઓએ વખોડી કાઢી છે.

જેફરી સી પિટમેન (ઉ.વ. 44) સ્પોકેનના ગુરુદ્વારામાં ઘૂસી ગયો હતો. પિટમેનની બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના વખતે તેણે માત્ર એક ચાદર ઓઢી હતી. તેના હાથમાં ગુરુદ્વારાની પારંપરિક તલવાર પણ હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પિટમેનની વિરુદ્ધ ચોરી, દુર્ભાવનાપૂર્ણ ફરિયાદ અને શોષણના આરોપસર સ્પોકેન કાઉન્ટી જેલમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ રાજ્યના ઘૃણા અપરાધ કાયદા હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

સ્પોકેનના શેરીફ ઓ.જી. નેજોવિચે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. કોઈના ધાર્મિક વિશ્વાસના કારણે કરવામાં આવેલા કોઈ પણ અપરાધની પ્રાથિમકતાના આધારે તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ગુરુદ્વારાને હજારો ડોલરનું નુકસાન થયું છે. ગુરુદ્વારા તરફથી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં પૂજા માટે કોઈ પણ સ્થળની તોડફોડ થવી ન જોઈએ.

You might also like