અમેરિકી ભારતીયોની દુર્દશાનો આ આરંભ છે?

અન્ય દેશોમાંથી આવીને અમેરિકામાં વસતા લોકો માટે આફતના દિવસો શરૂ થયા છે અને ભારતીયો પણ તેમાંથી બાકાત નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની અસરમાંથી કોઈ બચી શકવાનું નથી. ટ્રમ્પને ભારત પ્રત્યે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સોફ્ટ કોર્નર હોય તો પણ તેને કારણે ભારતીયો બચી જશે એવી આશા રાખવી વ્યર્થ છે. ગત દિવસોમાં કેન્સાસ શહેરમાં એક ભારતીય એન્જિનિયરની થયેલી હત્યાએ ભારતીયોને સજાગ કરી દીધા છે. આવા હુમલાનું એક કારણ ટ્રમ્પની નીતિઓએ સર્જેલા માહોલનું પણ છે. ટ્રમ્પના આગમન સાથે અમેરિકામાં ‘હેટ ક્રાઇમ’ યાને નફરત પ્રેરિત અપરાધોની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. અગાઉ આવા અપરાધ ગણ્યાગાંઠ્યા થતા હતા તે હવે રોજના બસો જેટલી સંખ્યામાં થાય છે. આવા અપરાધોનું એક કારણ ત્યાંના બેરોજગાર યુવાવર્ગમાં પ્રવર્તતી ગેરસમજ પણ છે. આ ગેરસમજને દૂર કરવાનું કામ ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા થવું જોઈએ, જે થતું નથી. અન્યથા, અમેરિકામાં વધેલી બેરોજગારી માટે માત્ર માઈગ્રેન્ટ લોકો જ જવાબદાર નથી. બલકે અમેરિકા આજે વિશ્વ અર્થવ્યવસ્થા પર જે વર્ચસ્વ ભોગવી રહ્યું છે તેમાં દુનિયાભરના દેશોમાંથી અમેરિકામાં આવીને વસેલી પ્રતિભાઓના વ્યાવસાયિક કૌશલ્યનું પ્રદાન સવિશેષ છે. આજે હવે આવી પ્રતિભા પ્રત્યે નફરત અને ઘૃણાથી જોવામાં આવતું હોય તો એ અમેરિકન સમાજની સંકુચિત મનોવૃત્તિનું પરિણામ છે. કેન્સાસમાં જેમની હત્યા કરાઈ એ એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોટલા પણ આવી જ પ્રતિભાશાળી વ્યક્તિ હતી. એ જીપીએસ સિસ્ટમ બનાવનારી વિશ્વવિખ્યાત કંપનીમાં કામ કરતા હતા. કેન્સાસની આ ઘટના પછી અમેરિકામાં વસતા લાખો ભારતીયો દહેશત અનુભવતા થઈ ગયા હશે એ નિશ્ચિત છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એ એક રીતે કાંઈ વાંધાજનક કે નવું નથી. અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશી લોકો પ્રત્યેના ઇમિગ્રેશન કાનૂનના કડક અમલનો આ મામલો છે. આ કાયદો તો અગાઉથી જ અમલમાં હતો. ટ્રમ્પ હવે તેના ચુસ્ત અમલીકરણની દિશામાં આગળ વધી રહ્યા છે. અમેરિકામાં લગભગ સવા કરોડ વિદેશીઓ કોઈ પણ જાતના કાનૂની દસ્તાવેજ વિના રહે છે. તેમાં લગભગ ત્રણ લાખ અમેરિકન-ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ બધા લોકો પર દેશ-નિકાલનો ખતરો તોળાઈ રહ્યો છે. ટ્રમ્પની પહેલાંના પ્રમુખ બરાક ઓબામાના સમયમાં પણ નીતિ તો આ હતી પરંતુ તેના પર કડકાઈથી અમલ કરાતો ન હતો. અમેરિકામાં ગેરકાયદે વસતા સવા કરોડ લોકોમાં મોટા ભાગના લોકો લેટિન અમેરિકા અને મેક્સિકોમાંથી આવેલા છે. ટ્રમ્પ મેક્સિકોની સરહદે દીવાલ બનાવવાનું કહી ચૂક્યા છે, પરંતુ એથી વધુ વિવાદાસ્પદ વાત તો મેક્સિકોથી આવેલા ત્રીસ લાખ લોકોની હકાલપટ્ટી કરવાની છે. રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ટ્રમ્પ વહીવટીતંત્રની વાતને ગેરવાજબી ગણી શકાય તેમ નથી. ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓ જે સમસ્યા સર્જી રહ્યા છે અને તેનાથી ભારતના લોકોન જે સહન કરવું પડે એ આપણે જાણીએ છીએ. આપણા રાજકારણીઓએ ભારતની હાલત ધર્મશાળા જેવી બનાવી નાખી છે. અમેરિકા જેવા દેશોમાં એવું ચાલતું નથી. આપણે બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી નથી કરતા તો એ આપણી નબળાઈ છે.

અમેરિકાની ઇમિગ્રેશન નીતિની અસર અપ્રવાસી ભારતીયો પર થશે એ નિશ્ચિત છે. બહારના દેશોમાંથી આવેલા લોકોને બદલે અમેરિકી લોકોને રોજગાર મળે એવું ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે તો એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. એક માહિતી પ્રમાણે અમેરિકામાં છેલ્લાં બે વર્ષથી રહેતા લોકો પર આ નીતિની વધુ અસર થવાની શક્યતા છે. તેમાં આપણા આઈટી પ્રોફેશનલ્સ પણ આવી જાય છે. અમેરિકા જ્યારે માઇગ્રેશન નીતિના કડક અમલની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે અમેરિકાએ પણ કુશળ શ્રમિકો અને વ્યવસાયીઓના અભાવે સર્જાનાર સમસ્યાનો સામનો કરવો પડશે. તેને કારણે ટ્રમ્પપ્રેરિત ‘અમેરિકન ડ્રીમ’ને જ નુકસાન થવાની શક્યતા પણ છે. અલબત્ત, આ વાતનો અહેસાસ ટ્રમ્પ પ્રશાસનને આજે નહીં તો મોડેથી પણ જરૂર થયા વગર રહેશે નહીં.
http://sambhaavnews.com/

You might also like