ન ફૂટેલા બોમ્બ અમેરિકાને લાખો ડૉલર ખર્ચાવે છે!

યુદ્ધ થોડોક જ સમય ચાલે પરંતુ તેની અસર વર્ષો સુધી રહે છે. અડધી સદી પહેલાં વિયેતનામ પર અમેરિકાએ આશરે દસ વર્ષ સુધી કરેલા સખત બોમ્બમારાની અસર હજુય વર્તાય છે. ખેડૂતો ખેતી કરી શકતા નથી, બાળકો મેદાનમાં રમી શકતાં નથી. ખેડૂત જમીન ખેડવા જાય અને બોમ્બ ફૂટે કે બાળકો કોઇ વસ્તુને બોલ સમજીને રમવા જાય તો અચાનક ધડાકો થાય તેવી ઘટના હજુય સતત બની રહી છે. ૨૦,૦૦૦ જેટલા લોકો આવી ઘટનામાં ઘવાયા છે કે મોતને ભેટ્યા છે. આ યુદ્ધનો ઇતિહાસ મૂડીવાદ અને સામ્યવાદની લડાઇનો છે. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલેલા યુદ્ધમાં સાઉથ વિયેતનામની મદદથી યુએસએએ નોર્થ વિયેતનામ પર હુમલા કરેલા.

રશિયા અને ચાઇના નોર્થ વિયેતનામને સપોર્ટ કરતા હતા. લડાઇમાં ૧૯૬૨થી ૧૯૭૩ સુધી અમેરિકાએ સતત હવાઇહુમલા કરેલા. યુએસનાં વિમાનોએ વિયેતનામ પર રીતસરની બોમ્બવર્ષા જ કરી હતી. આંકડા બતાવે છે કે જુદાજુદા સમયે થયેલા ૫.૮૦ લાખ બોમ્બમારામાં ૨૭૦૦ લાખ જેટલા ક્લસ્ટર બોમ્બ ઝીંક્યા હતા. આ બોમ્બમાંથી ઘણા ફૂટ્યા જ ન હતા. એક અંદાજ મુજબ ૮૦૦ લાખ જેટલા બોમ્બ ફૂટ્યા વગર જ રહી ગયા હતા. ૧૯૭૫માં યુદ્ધ ખતમ થયું તે પછી સતત આ બોમ્બ ફૂટતા રહ્યા છે. હજુ માત્ર ૧ ટકો જેટલા જ બોમ્બને ડિફ્યુઝ કરી શકાયા છે. ઇન્ટરનેશનલ પ્રેશરને કારણે અમેરિકા નાણાં આપતું હતું પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો ન હતો. આ વખતે જી-૨૦ સમિટ દરમિયાન જ અમેરિકી પ્રમુખ ઓબામાએ ૯૦ મિલિયન ડૉલરનો ખર્ચ કરવાની જાહેરાત કરી જે આગામી ત્રણ વર્ષમાં ખર્ચવામાં આવશે.

You might also like