અમેરિકામાં સદીનું ભયાનક બર્ફિલું તોફાનઃ ૮.૫ કરોડ લોકો પ્રભાવિત

વોશિંગ્ટન: અમેરિકામાં સદીનું સૌથી વધુ ભયાનક બરફનું તોફાન આવ્યું છે. દર કલાકે એક ઇંચ હિમવર્ષા અને કા‌િતલ ઠંડા પવનોની અમેરિકાના ૨૨ રાજ્ય ૮.૫ કરોડ લોકો પર અસર પડી છે. ૭૬૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ૧.૩૩ લાખ ઘરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વીજળી ડુલ થવાથી અનેક સુપરમાર્કેટ ખાલી થઈ ગયાં છે. શનિ અને રવિવારે અનેક રાજ્યમાં ૪૦ ઈંચ સુધી બરફ પડવાની ચેતવણી આપવામાં આવી છે.

વીકએન્ડમાં શનિ અને રવિવારે અનેક રાજ્યમાં ૪૦ ઈંચ સુધી બરફ પડવાની ચેતવણી આપવામાં આવી છે. સૌથી વધુ પ્રભાવિત અમેરિકાનાં પૂર્વીય શહેરો છે. વોશિંગ્ટનનો વ્યવહાર થંભી ગયો છે. રસ્તાઓ પર એકથી બે ફૂટ સુધી બરફના ઢગ જામેલા છે. મેટ્રો અને બસસેવાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

અમેરિકન હવામાન વિભાગના ડાયરેક્ટર લુઈસ યુસેલિનીએ જણાવ્યું હતું કે અડધી સદીમાં વોશિંગ્ટને જેટલો બરફ નહીં જોયો હોય તેટલો બરફ પડી શકે છે. વોશિંગ્ટનમાં આ અગાઉ ૧૯૨૨માં બે દિવસની અંદર ૭૧ સે.મી. બરફ પડ્યો હતો. હાલ અનેક વિસ્તારોમાં ૩૦ ઈંચ સુધી બરફવર્ષા થઈ છે.

સીએનએન અને એનબીસીના અહેવાલો અનુસાર આ વખતે યુએસમાં ૭૩ કિ.મી.ની ઝડપે બર્ફિલા કાતિલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. બરફના તોફાનને કારણે સર્જાયેલા અકસ્માતમાં આઠ લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ છે. લુઈસ યુસેલિનીના જણાવ્યા પ્રમાણે આ તોફાનથી ૮.૫ કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે. અમેરિકાના ટેનેસી, નોર્થ કેલિફોર્નિયા, વર્જિનિયા, નોર્થ કેરોલિના મેરિલેન્ડ, પેન્સિલવાનિયા, કોલંબિયા સહિતનાં રાજ્યના એક હજાર શહેરોમાં ઈમર્જન્સી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

You might also like