અમેરિકામાં ફાયરિંગની ત્રણ ઘટનામાં પોલીસ અધિકારી સહિત ચારનાં મોત

વેસ્ટોન: અમેરિકાના નોર્થ વિસ્કોન્સિનમાં ગઈ કાલે બનેલી ફાયરિંગની ત્રણ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત ચાર વ્યક્તિનાં મોત થયાં છે, જોકે તપાસ અધિકારીઓએ આ ઘટનામાં આતંકવાદીઓનો હાથ હોવાનો ઈનકાર કરતાં ઘટના આંતરિક બાબતના વિવાદમાં થઈ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ મામલે એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાના નોર્થ વિસ્કોન્સિનના વિવિધ ત્રણ વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટનામાં એક ઘટના મેરાથન બેન્ક ઉપરાંત એક કાનૂની પેઢી અને અન્ય એક ઘટના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ પરિસરમાં બની હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકામાં બનેલી આ ત્રણ ઘટનાથી આતંકવાદીઓએ હુમલો કર્યાની આશંકા સેવવામાં આવતી હતી, પરંતુ તપાસ અધિકારીઓએ આ ઘટનામાં આતંકવાદીઓનો કોઈ હાથ નહિ હોવાનું જણાવ્યું છે. આ ઘટનામાં સ્વાત ટીમના એક અધિકારીનું મોત થયું છે, જોકે આ ઘટના બાદ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાથી આમ જનતાને કોઈ જ ખતરો નથી, જોકે અધિકારીઓએ આ હુમલામાં માર્યા ગયેલા લોકો તેમજ આ હુમલામાં કોનો હાથ હોઈ શકે તે અંગે કોઈ માહિતી આપી ન હતી. ન્યાય વિભાગની અપરાધિક તપાસ શાખાના ઉપપ્રશાસક જોસેફ સ્મિથે જણાવ્યું કે આ મામલે લગભગ 100 અધિકારી તપાસ કરી રહ્યા છે.

આ ઘટનાને નજરે નિહાળનારા સુસૈન થોમસને મીડિયાને જણાવ્યું કે તેણે પરિસરમાં ફાયરિંગ થવાનો અવાજ અને લોકોની બૂમાબૂમ સાંભળી હતી. તેથી તે બહાર નીકળવા ગયો હતો પણ પોલીસે તેને બહાર જતાં અટકાવ્યો હતો અને ઘરમાં જ રહેવા સલાહ આપી હતી અને પોલીસે તે બહાર નીકળી ન જાય તે માટે બહારથી તેના ઘરને તાળું મારી દીધું હતું, જોકે મામલો થાળે પડ્યા બાદ પોલીસ અધિકારીઓએ તાળું ખોલ્યું હતું. અમેરિકામાં આ પ્રકારે એકસાથે ત્રણ જગ્યાએ થયેલા ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયા બાદ શહેરમાં આતંકવાદી હુમલો થયાની આશંકાથી ભારે નાસભાગ મચી જવા પામી હતી, જોકે બાદમાં પોલીસે આ અંગે સ્પષ્ટતા કરતાં લોકોએ રાહત અનુભવી હતી. પોલીસે આ ઘટના આંતરિક વિવાદના કારણે થઈ હોવાનું અનુમાન કર્યું છે ત્યારે આ અંગે હાલ પોલીસ હુમલાખોરો અંગે તપાસ ચલાવી રહી છે, જોકે એક શકમંદની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે પણ જે રીતે ફાયરિંગ થયું હતું તે જોતાં થોડા સમય સુધી આતંકી હુમલો થયાની અફવા ફેલાતાં લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

http://sambhaavnews.com/

You might also like