અમેરિકન અર્થતંત્રના ગ્રોથને બ્રેકઃ વિશ્વના દેશો ઘેરી ચિંતામાં

વોશિંગ્ટન: વીતેલા વર્ષમાં (૨૦૧૬) અમેરિકાના આર્થિક વિકાસ અને વૃદ્ધિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ અંગેના આંકડાઓ અનુસાર ૨૦૧૬ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં અમેરિકાની ઇકોનોમિક ગ્રોથ ૧.૯ ટકા રહી હતી ત્યારે સમગ્ર વર્ષની ગ્રોથ માત્ર ૧.૬ ટકા રહેવા પામી હતી. આમ, વર્ષ ૨૦૧૧ બાદ અમેરિકાની ઇકોનોમીનો આ સૌથી ઓછો ગ્રોથ રેટ છે. આ જાણકારી અમેરિકાના વાણિજ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને વર્ષ ૨૦૧૬ના આખરી ત્રણ મહિનાની ઇકોનોમી ગ્રોથ છેલ્લાં પાંચ વર્ષ કરતાં ઘણી ઓછી રહી છે.

અમેરિકન વાણિજ્ય વિભાગે જીડીપીના ડેટા જારી કર્યા છે. કોઇ પણ દેશના અર્થતંત્રની સુદૃઢતા જાણવા માટે જીડીપીના ડેટાના ઉપયોગ કરવામાં આવે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર, ૨૦૧૬ દરમિયાન જીડીપી માત્ર ૧.૯ ટકાના દરે વધી છે, જે આ અગાઉના ત્રણ મહિનામાં ૩.૫ ટકા હતી. જીડીપીમાં આટલો ઘટાડો થવાનું સૌથી મોટું કારણ અમેરિકાની ટ્રેડ ડેફિશિટ છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકાની જીડીપીમાં વેપાર ખાધ ઘટવાના કારણે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના અર્થતંત્રની રફતાર ધીમી પડતાં વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોના અર્થતંત્રો પણ ચિંતામાં મુકાઇ ગયા છે કારણ કે અમેરિકાના મંદ આર્થિક વિકાસથી દુનિયાના તમામ અર્થતંત્રો પ્રભાવિત થઇ શકે છે અને ખાસ કરીને નિષ્ણાતોને દહેશત છે કે મહામંદીનો દોર ચાલુ થાય નહીં.

જોકે હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સત્તાનાં સૂત્રો સંભાળ્યા હોવાથી હવે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓની મીટ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની કામગીરી પર છે. લોકો પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટી આશા રાખીને બેઠા છે અને હવે જીડીપીને બમણી કરવાનું લક્ષ્ય છે.
http://sambhaavnews.com/

You might also like