અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાનો હુમલાેઃ તાલિબાનના ૫૦ કમાન્ડર ઠાર

કાબુલ: અફઘાનિસ્તાનના દક્ષિણ પ્રાંત હેલમંદમાં અમેરિકાની સેનાએ કરેલા હુમલામાં તાલિબાનના ૫૦ કમાન્ડર ઠાર થયા છે. પ્રાંતના મૂસા કાલા જિલ્લામાં ચાલતી તાલિબાની આતંકીઓની બેઠકને સેનાએ રોકેટથી નિશાન બનાવી હતી, જેમાં ૫૦ જેટલા તાલિબાની કમાન્ડર ઠાર થયા છે.

મૂસા કાલા જિલ્લાને તાલિબાનોનો મજબૂત ગઢ માનવામાં આવે છે ત્યારે અમેરિકન સેનાએ આ જ વિસ્તારમાં કરેલા હુમલાથી તાલિબાની આતંકીઓને મોટો ઝટકો લાગ્યો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન દળના પ્રવકતા લેફ. કર્નલ માર્ટિન ઓડોનેલે જણાવ્યું કે ગઈ કાલે મૂસા કાલા જિલ્લામાં સેનાએ તાલિબાની કમાન્ડરોની બેઠક પર હુમલો કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મહિનામાં અમેરિકન સેનાએ ચલાવેલા દસ દિવસના અભિયાનમા તાલિબાનના અનેક આતંકી અને નીચેના સ્તરના કમાન્ડર ઠાર થયા છે, જોકે બીજી તરફ આ હુમલામાં તાલિબાની કમાન્ડર ઠાર થયાની વાતને તાલિબાનીઓએ નકારી કાઢી છે.

તાલિબાનના પ્રવકતા કારી યુસુફ અહમદીએ જણાવ્યું કે બે ઘરને રોકેટથી નિશાન બનાવી હુમલા કરવામાં આ‍વ્યા હતા, જેમાં પાંચ નાગરિક માર્યા ગયા છે અને અન્ય ત્રણને ઈજા થઈ છે.

જ્યારે અમેરિકન સેનાએ જણાવ્યું છે કે ગત ૨૪ મેના રોજ મળેલી આ બેઠકમાં અનેક પ્રાંતમાંથી આવેલા તાલિબાનના કમાન્ડરો સામેલ હતા. તેથી આ હુમલામાં ૫૦ કમાન્ડર ઠાર થયા છે. દરમિયાન ગઇ કાલે અફઘાનિસ્તાનના લોગાર પ્રાંતના પાટનગર પુલએ આલમમાં તાલિબાનોએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. ત્રણ કલાક ચાલેલી અથડામણમાં ત્રણ પોલીસ કર્મચારીનાં મોત થયાં હતાં અને આઠને ઈજા થઈ હતી.

You might also like