AMC રોડના કચરાના ઢગલા દૂર કરવા મોનિટરિંગ સિસ્ટમ ગોઠવશે

અમદાવાદ:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરાય છે. ઘરે ઘરેથી કચરો એકઠો કરીને પીરાણા ડમ્પ સાઇટ પર ઠાલવવા માટે મ્યુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે રૂ.૭૦ કરોડ ખર્ચાય છે. ડોર ટુ ડોર માટે નવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં નવી સિસ્ટમ પાંચ મહિના બાદ પણ સફળ નિવડી નથી. બીજી તરફ રોડ પરના કચરાના ઢગલાઓ આજે પણ યથાવત્ જોવા મળે છે.

જેના કારણે ખુદ કમિશનર મૂકેશકુમાર નારાજ હોઇ સંબંધિત અધિકારીઓને રોડ પરના કચરાના ઢગલાને દૂર કરવા ખાસ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાની તાકીદ કરી છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે તાજેતરમાં તમામ ફલાય ઓવરબ્રિજ, અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ સહિત ૪૮ બ્રિજને પાણીથી ધોવામાં આવ્યા હતા. ઉપરાંત દક્ષિણ ઝોનમાં ઇસનપુર, મધ્ય ઝોનમાં ખાડિયા, પૂર્વ ઝોનમાં નિકોલ, ઉત્તર ઝોનમાં બાપુનગર, પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા અને નવા પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા અને જોધપુર એમ શહેરના કુલ છ વોર્ડને પણ પાણીથી ધોઇને ચોખ્ખા કરાયા હતા.

જોકે શહેરના બ્રિજ તેમજ વોર્ડની સાફ સફાઇના ખાસ અભિયાન દરમ્યાન કચરાના ઢગલાઓ કમિશનર મૂકેશકુમારની નજરમાં આવ્યા હતા. ડોર ટુ ડોરના એકત્રીકરણ માટે તંત્ર દ્વારા શહેરભરમાં ત્રીસ હજાર જેટલા પોઇન્ટ ઓફ એન્ટ્રેન્સ કરાયા છે. કમિશનરના આદેશથી કચરો લેવા આવનારી ગાડીઓ આ સ્થળોએ ઊભી રહેવી જોઇએ તેવું આયોજન કરાયું છે. તેમ છતાં રોડ પર આજે પણ આડેધડ કચરો ફેંકાઇ રહ્યો છે.

હાલમાં ઝોન દીઠ ડોર ટુ ડોર પ્રોજેકટ હેઠળ બે બે કોન્ટ્રાક્ટરને નિશ્ચિત કરાયા છતાં પણ ડોર ટુ ડોરનાં વાહનોની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનાં ઠેકાણાં પડ્યાં નથી. જેના કારણે ડોર ટુ ડોરની નવી સિસ્ટમનું અસરકારક બની ન હોઇ આ પણ રોડ પર ઠલવાતાં કચરાનું એક મુખ્ય કારણ છે તેમ જણાવતાં મ્યુનિસિપલ સૂત્રો વધુમાં કહે છે, કમિશનરની આદેશ બાદ રોડ પરની કચરા પેટીઓને ક્રમશઃ ઉપાડાઇ રહી છે.

તેમ છતાં શહેરમાં આજે પણ રોડ પરથી ૭૦થી ૮૦ ખુલ્લી જગ્યાઓમાં જાહેરમાં કચરો ઠલવાઇ રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટ્રેક્ટર ટ્રોલી દ્વારા આવાં સ્થળોએથી દરરોજ કચરો ઉપાડી લેવાય છે. આ માટે ૧પ૦ ટ્રેકટર ટ્રોલી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે. જો કે હવે કમિશનરના આદેશથી આ તમામ જગ્યાઓએ તંત્ર દ્વારા સુપરવિઝન કરાશે.

આ જગ્યાએ ટ્રોલી કચરો નાખી જાય છે તેવા લોકોને શોધી કાઢીને સંબંધિત મ્યુનિસિપલ સ્ટાફ આ પ્રકારે કચરો ન ફેલાવવાની સમજણ આપશે. રોડ પર કચરો ફેંકવાને બદલે ડોર ટુ ડોર હેઠ કચરો આપવાની તાકીદ કરાશે. આમ દશેક દિવસની ઝુંબેશ ચલાવ્યા બાદ તંત્ર રોડ પર કચરો ફેંકનારાની સામે દંડાત્મક પગલાં લેવાનું પણ વિચારી રહ્યું છે તેમ પણ સૂત્રો વધુમાં જણાવે છે.

You might also like