મચ્છર સામે મ્યુનિ.નો જંગ: પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં ઘરે ઘરે દવા છંટાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં મચ્છરોનો નાશ પાછળ રૂ.૩૦ કરોડનો ખર્ચ કરાયો હોવા છતાં પહેલા ચોમાસામાં જ જોવા મળતાં મચ્છરો હવે બાર માસી બન્યાં છે. હજારો નાગરિકો દર વર્ષે મેલેરિયા, ફાલ્સિપારમ અને ડેન્ગ્યુનો ભોગ બની રહ્યા છે તેમ છતાં આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ ફરીથી ‘ઓનપેપર’ આયોજન ઘડી રહેલ છે. જે મુજબ કોર્પોરેશનના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં ઘરે ઘરે ફરીને મચ્છરોનો નાશ કરવા જંતુનાશક દવાનો છંટકાવ કરાશે.

કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે હાઇરિસ્ક એરિયા નક્કી કરીને વોર્ડ વાઇઝ કામગીરી કરાય છે. મચ્છરોનો ઉપદ્રવ વોર્ડમાં બારે મહિના જોવા મળતો હોવા છતાં મ્યુનિ. મેલેરિયા વિભાગ શહેરમાં મેલેરિયા અસરકારક રીતે નિયંત્રણમાં આવી ગયાનો હાસ્યાસ્પદ દાવો કરે છે.

હવે આગામી ચોમાસાના સંદર્ભમાં મેલેરિયા વિભાગ ઘરે ઘરે ફરીને જંતુનાશક દવાનો છંટકાવ કરશે. ઇન્ડોર રેસિડયુઅલ સ્પ્રે (આઇઆરએસ)ની કામગીરી હેઠળ હાલ પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના હાઇ રિક્સ વિસ્તારોને પસંદ કરાયા છે. આના માટે કોન્ટ્રાકટર એચ.પી.સી. કોર્પોરેશનને ઘર દીઠ રૂ.૧૦.૯૭ના ભાવે કામગીરી સોંપાઇ છે. જે માટે મ્યુનિ. તિજોરીમાંથી કોન્ટ્રાકટરને રૂ.પ૧.ર૪ લાખ ચુકવાશે. આ કામગીરી તા.૧પ મેથી ૧પ ઓગસ્ટ અને તા.૧૬ ઓગસ્ટથી તા.૧પ નવેમ્બર ર૦૧૬ એમ બે તબક્કામાં હાથ ધરાશે.

મ્યુનિ. મેલેરિયા વિભાગના પણ ડો.વિનાયક કોહલી કહે છે પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના ગણીને કુલ૧.૨૫ લાખથી વધારે ઘરોમાં જંતુનાશક દવાનો સ્પ્રે કરાશે. નવા પશ્ચિમ ઝોનના સરખેજ અને ચાંદલોડિયા અને પશ્ચિમ ઝોનના રાણીપ અને ચાંદખેડા વોર્ડમાં મચ્છરનો સવિશેષ ઉપદ્રવ છે. વર્ષ ર૦૧રમાં આઇઆરએસની કામગીરી મેલેરિયા વિભાગના મજૂરોએ કરી હતી. ત્યારબાદ હવે ખાનગી એજન્સી પાસે જ કામગીરી કરવામાં આવે છે.

You might also like