કાળી વોર્ડમાં કલ્ચર સેન્ટરના કામમાં ભ્રષ્ટાચારઃ કોન્ટ્રાક્ટર, અધિકારીઓએ કૂલડીમાં ગોળ ભાંગ્યો

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના કાળી વોર્ડમાં આવેલા ડી કેબિન વિસ્તારમાં કલ્ચર સેન્ટર બનાવવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું ઓડિટ અહેવાલ પ્રકાશમાં આવતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગત તા.ર૪ ઓગસ્ટ ર૦૧રની સ્ટેન્ડિંગ કમિટીમાં ડી કેબિન વિસ્તારની ટીપી ૧૯ના ફાઇનલ પ્લોટ નંબર ૭૧ના પાર્ટ ભાગમાં કલ્ચર સેન્ટરનાં નિર્માણ માટે રૂ.૪ર.૪૩ લાખનો અંદાજ મંજૂર કરાયો હતો. ત્યાર બાદ એક મહિને સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.૩૮.૮ર લાખનાં ટેન્ડરને લીલી ઝંડી આપી હતી.

જોકે કલ્ચર સેન્ટરના નિર્માણના પ્રારંભથી વિવાદ સર્જાયો હતો. કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાના પેવર બ્લોકનો ઉપયોગ કર્યા હોવાનું ટેસ્ટિંગ રિપોર્ટમાં પુરવાર થયું હતું. વિવિધ વસ્તુઓના ભાવ એસઓઆરના આધારભૂત પુરાવા સામેલ કરીને તેની મેળવણી કરાઇ ન હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિટ વિભાગ સમક્ષ ટેન્ડર વોલ્યુમ જ રજૂ કરાયું ન હતું. નિર્માણ કાર્ય દરમ્યાન પાણી-લાઇટના ખર્ચની માહિતી અપાઇ નથી. ડિફેકટ લાયાબિલિટી પિરિયડ અંગે પણ કોઇ સ્પષ્ટતા કરાઇ ન હતી. કલ્ચર સેન્ટરના મેન્ટેનન્સના પુરાવા સામેલ કરાયા ન હતા. ઇલેક્ટ્રિકની કામગીરી અંગે મ્યુનિ. લાઇટ વિભાગનો અભિપ્રાય મેળવીને તેનું સર્ટીફિકેટ ઓડિટ વિભાગ સમક્ષ મુકાયું ન હતું.

કલ્ચર સેન્ટરના નિર્માણ દરમ્યાનના વિવિધ બિલમાં ગણતરી ભૂલને લીધે જે તે વસ્તુનું માપ બાદ કરવાનું થાય તેને બદલે ઉમેરીને અપાયું હતું. વધુ ચુકવાયેલી રકમ પણ મ્યુનિ. તિજોરીમાં પરત જમા કરાઇ ન હોવાનું પણ ઓડિટ અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત કલ્ચર સેન્ટરનું નિર્માણ કયારે પૂરું થયું તેના કોઇ પુરાવા જ સામેલ કરાયા ન હતા. ટેન્ડર શરત મુજબ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવાની થતી પેનલ્ટી અંગે ખુદ ઓડિટ વિભાગને અંધારામાં રખાયો હતો.
http://sambhaavnews.com/

You might also like