લો બોલો! સ્વચ્છતા જન મોડલના વોર્ડમાં ડસ્ટ‌િબનની અછત!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અન્વયે પહેલાં બોડકદેવ, જૂના વાડજ અને વસ્ત્રાલ વોર્ડમાં અને ત્યાર બાદ મણિનગર, નરોડા મૂઠિયા અને નિકોલ વોર્ડને ‘સ્વચ્છતા જન મોડલ’ જાહેર કરાયા છે. આ તમામ છ વોર્ડમાં હાલ પૂરતા પ૦૦૦ રહેણાક યુનિટમાં પાઇલટ પ્રોજેકટ રદ કરાયા છે, પરંતુ સ્વચ્છતા જન મોડેલના વોર્ડમાં જ ડસ્ટ‌િબનની અછતની ફરિયાદ ઊઠી છે.

અગાઉ તંત્ર દ્વારા ત્રણ ઝોનના બોડકદેવ, જૂના વાડજ અને વસ્ત્રાલ એમ ત્રણ વોર્ડમાં પ્રથમ પ૦૦૦ રહેણાક યુનિટમાં સ્વચ્છતા જન મોડેલનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જે ગત ફેબ્રુઆરીથી વધુ ત્રણ વોર્ડમાં અમલમાં મુકાયો છે. આ યોજના હેઠળ દરેક રહેણાક યુનિટદીઠ કોર્પોરેશન દ્વારા ૧૦ લિટરની સાઇઝનાં બે ડસ્ટ‌િબન વિનામૂલ્યે અપાય છે, જેમાં લીલા રંગનું ડસ્ટ‌િબન ભીના કચરા માટે તો વાદળી રંગનું ડસ્ટ‌િબન સૂકા કચરા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. પ્રતિ ડસ્ટ‌િબન રૂ.૧પર લેખે નવા ત્રણ વોર્ડમાં જ મ્યુનિ. તિજોરીમાંથી રૂ.૪પ.૬૦ લાખ ખર્ચાશે. આ તમામ ખર્ચ સ્વચ્છ ભારત મિશન હેઠળના બજેટમાંથી કરાશે.

જોકે તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપના સભ્ય ગિરીશ પ્રજાપતિએ સ્વચ્છતા જન મોડેલના વોર્ડમાં પૂરતી સંખ્યામાં ડસ્ટ‌િબન ફાળવાયાં નથી તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો, જેના કારણે ગત ર ઓકટો., ર૦૧૪થી આરંભાયેલા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનના થયેલા હાલ-બેહાલને જોતાં સ્વચ્છ ભારત મિશનની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.

આ અંગે મ્યુનિ. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ.ભાવિન સોલંકીને પૂછતાં તેેઓ કહે છે, આ સભ્યથી ફરિયાદમાં કોઇ વજૂદ નથી. તંત્ર પાસે પૂરતી સંખ્યામાં ડસ્ટ‌િબન છે.

બીજી તરફ આજે દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન હેઠળ સરકાર દ્વારા વર્કશોપ યોજાયો છે. આ વર્કશોપમાં શહેરના મેયર ગૌતમ શાહ અને કમિશનર ડી. થારા હાજર રહેશે. આ બંને મહાનુભાવની હાજરીને પગલે અમદાવાદમાં આગામી દિવસોમાં સ્વચ્છ ભારત મિશન ગતિ પકડશે તેવી ચર્ચા ઊઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેયર શાહ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના વિભિન્ન વોર્ડમાં સ્વચ્છતા રાઉન્ડ લઇ ચૂક્યા છે.

You might also like