મ્યુનિ.એ બે કરોડનો પ્લાન્ટ ખાનગી કંપનીને વાર્ષિક માત્ર ૧૧.૮૦ લાખના ભાવે સોંપી દીધો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડોની નવાઇ નથી. છાશવારે એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ પ્રકાશમાં આવી રહ્યાં છે. કેટલીક વખત લાખના બાર હજાર કરવા વહીવટ થકી પણ આડકતરી રીતનાં કૌભાંડ આચરવામાં આવે છે. કોતરપુરનો પેકેજડ ડ્રિન્કિંગ પ્લાન્ટને વાર્ષિક રૂ.૧૧.૮૦ લાખ જેટલી મામૂલી રોયલ્ટીમાં ખાનગી કંપનીને સોંપી દેતા વિવાદ સર્જાયો છે.

કોર્પોરેશન વિવિધ પ્રોજેકટના લોકાર્પણ, ભૂમિપૂજન, સ્વચ્છતા રાઉન્ડ, વિભિન્ન સ્તરની અધિકારીઓની બેઠક, ચૂંટાયેલા હોદ્દેદારોની બેઠક વગેરેમાં તંત્ર દ્વારા સહેજે મહિને બેથી ત્રણ લાખ સુધીની કિંમતની પેકેજડ ડ્રિન્કિંગ બોટલનો વપરાશ થાય છે એટલે કે ખુદ કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમો બેઠકોમાં જ વર્ષે દહાડે અંદાજે રપથી ૩૦ લાખ રૂપિયાનું તો પાણી પાછળ વપરાય છે.

જેને કારણે તંત્ર દ્વારા કોતરપુરની વોટર વર્કસની વિશાળ જગ્યામાં આશરે રૂ.બે કરોડના ખર્ચે કલાકમાં બે હજાર લિટર પેકેજડ ડ્રિન્કિંગ વોટરનું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટનું નિર્માણ કરાયું હતું. જોકે આ અત્યાધુનિક પ્લાન્ટમાંથી સત્તાવાળાઓ લગભગ દોઢથી બે વર્ષ સુધી ર૦૦ મિલીનું એક પેકેજ ડ્રિન્કિંગ બોટલ પણ બનાવી શકયા ન હતા.

છેવટે ગત તા.ર૦ એપ્રિલ ર૦૧૭એ સત્તાધીશોએ રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મગાવીને વિશાલ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને વાર્ષિક રૂ.૧૧.૮૦ લાખ જેટલી રોયલ્ટીમાં આખેઆખો પ્લાન્ટ સોંપી દીધો છે. અત્યારે તો આ કંપનીએ બગીચામાં ચાલતા અમૂલ પાર્લરમાં એએમસી-જલના વિતરણની વ્યવસ્થા ગોઠવી છે પરંતુ આગામી સમયમાં કોર્પોરેશન કંપની પાસેથી પેકેજડ ડ્રિન્કિંગ બોટલ ખરીદીને તેને ઘર બેઠા વકરો કરાવી આપશે.

આ ઉપરાંત કોર્પોરેશનની કિમતી જમીન પર દોઢથી બે કરોડના ખર્ચે વસાવાયેલા અત્યાધુનિક મશીનરી ઊભા કરાયેલા પ્લાન્ટની મદદથી આ કંપની પોતાની માટે પણ પેકેજડ ડ્રિન્કિંગ બોટલનું ઉત્પાદન કરીને તેને બજારમાં મૂકવાનું છે. જે પ્રકારે કોતરપુરના પેકેજડ ડ્રિન્કિંગ પ્લાન્ટનો વહીવટ કરાયો છે તેના ઘેરા પ્રત્યાઘાત કોર્પોરેશનમાં પડ્યા છે.
http://sambhaavnews.com/

You might also like