મ્યુનિ. હવે સ્વચ્છ ભારત મિશનનાં કન્સલ્ટન્ટ પાછળ ૭૦ લાખનો ધુમાડો કરશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની પાસે પૂરતી સંખ્યામાં સ્ટાફ છે. આ વિભાગના દર ‌મહિને પાંચ આંકડામાં પગાર મેળવતા અધિકારીઓ પાસે શહેરભરના ગંદકીના ઢગલાનો રોજે રોજનો રિપોર્ટ હોય છે. આમ છતાં સ્વચ્છ ભારત હેઠળ અમદાવાદને સ્વચ્છ બનાવવા સત્તાધીશો કન્સલ્ટન્ટને કામગીરી સોંપીને મ્યુનિ. તિજોરીમાંથી રૂ.૭૦ લાખનો ધુમાડો કરશે. એક તરફ કન્સલ્ટન્ટોની બેદરકારીના કારણે મ્યુનિ. કોર્પોરેશનના બ્રિજ, ગાર્ડન, હોલ, બીઆરટીએસ સહિતના કરોડો રૂપિયાના પ્રોજેકટ પાછળની ડિઝાઇનમાં થતા ફેરફારના કારણે ફકત જેએનયુઆરએમ પ્રોજેકટનાં કામોમાં મ્યુનિ. તંત્રને રૂ.રપ૩ કરોડથી વધુની રકમનું ભારણ ઉઠાવવું પડયું હતું.

સેપ્ટ, સ્તૂપ અને મલ્ટીમીડિયા જેવી કંપનીઓની કન્સલ્ટિંગ ટીમોનો કોર્પોરેશનમાં દબદબો છે. દર વર્ષે કરોડો રૂપિયાના પ્રોજેકટનું કન્સલ્ટિંગ આ કંપનીઓને સોંપાય છે. હવે સ્વચ્છતા-સફાઇ જેવી રોજબરોજની સામાન્ય બાબતમાં પણ મ્યુનિ. સત્તાવાળાઓ કન્સલ્ટન્ટ નિમશે અમદાવાદના ૭૪ વોર્ડમાં વોર્ડ દીઠ હેલ્થ વિભાગના સ્ટાફનો કાફલો છે. સ્વતંત્ર સોલિડ વેસ્ટ વિભાગ ડોર ટુ ડોરનો કચરો સહિતના ઘન કચરાના નિકાલની વ્યવસ્થા સંભાળે છે. શહેરની ગલીએ ગલીએ થતા કચરાના ઢગલે ઢગલાથી તંત્ર વાકેફ છે. એટલે જો તંત્ર ચાહે તો પોતો નાવીન્યપૂર્ણ પ્રોજેકટ બનાવીને તેનો નાગરિકોના લાભાર્થે સારામાં સારો ઉપયોગ કરી શકે છે. આમ છતાં સ્વચ્છ ભારત મિશન હેઠળના પ્રોજેકટ તૈયાર કરવા કોર્પોરેશન કન્સલ્ટન્ટ નીમશે.

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનને રૂ.ર૦૮.૮ર કરોડની સહાય આપશે. આગામી પાંચ વર્ષ દરમિયાન મળનારી આ સહાય સારું એક ખાનગી પ્રાઇવેટ લિ. કંપની રૂ.૭૦ લાખના ખર્ચે પ્રોજેકટ બનાવશે.

You might also like