અાને કહેવાય દીવા તળે અંધારું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના જે તે વોર્ડમાં છાશવારે સ્વચ્છતા વોર્ડ રાઉન્ડ લેવાય છે. છેલ્લા ૧૭ સ્વચ્છતા રાઉન્ડમાં જ મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.પ૧ લાખથી વધુ ખર્ચાઇ ચૂક્યા છે. સ્વચ્છતા અભિયાન પાછળ પાણીની જેમ પૈસા વપરાતા હોવા છતાં દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ ૧૪મા ક્રમે આવ્યું છે. આનું મુખ્ય કારણ તંત્રનું સ્વચ્છતા અભિયાન ફક્ત આંકડા આધા‌િરત છે. જો તેમ ન હોત તો ખુદ ખમાસા દાણાપીઠ ખાતે આવેલા મુખ્યાલય પરિસરમાં જ સ્વચ્છતા અભિયાન ચલાવવાની જરૂર ઊભી ન થાત.

કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણે અમદાવાદ કોર્પોરેશનના ઢોલની પોલ ખોલી નાખી છે. દેશના એકથી દશ સ્વચ્છ શહેરોમાં પણ અમદાવાદનું બજેટ રૂ.૬પપ૧ કરોડનું હોવા છતાં તેનો સમાવેશ થયો નથી, કેમ કે શહેરમાં સ્વચ્છતા મિશન દરમ્યાન શાસકોએ ફોટા પડાવવા પૂરતો રસ લીધો હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.

અેક તરફ ઝીકા વાઇરસ જેવા ગંભીર રોગની તંત્રને કે શાસક પક્ષને કોઇ ગંભીરતા નથી. ઝીકા વાઇરસ પણ મચ્છરજન્ય રોગચાળો હોઇ ગંદકીને હટાવવા પ્રત્યે સત્તાવાળાઓએ ખાસ આયોજન હાથ ધરવું જોઇએ. કમનસીબે ખુદ મ્યુનિસિપલ મુખ્યાલય ગંદકીનું ધામ બન્યું છે.

મુખ્યાલયના પરિસરમાં જ આવેલા નવા ‘બી’ બ્લોકની પાછળનો ભાગ રીતસરનો ભંગારવાડામાં ફેરવાઇ ગયો છે. આ બી બ્લોકમાં મધ્ય ઝોનની તમામ વહીવટી કચેરીઓ ધમધમે છે. અનેક ઉચ્ચ અધિકારીઓની ઓફિસની બારીમાંથી ખુદ કોર્પોરેશને ખડકેલો ભંગારવાડો સ્પષ્ટ રીતે દેખાઇ આવે છે. તેમ છતાં સ્થિતિ યથાવત્ છે. આ ભંગારવાડામાં ગટરનાં પાણી અને કચરાના ઢગલે ઢગલા પણ બન્યા છે. એક પ્રકારે ચોમાસા દરમ્યાનનું ઝીકા વાઇરસનું મોટું ઉત્પત્તિસ્થાન અહીંયાં સર્જાયું હોઇ સ્ટાફમાં ફફડાટ ફેલાયો છે. જાણકાર સૂત્રો કહે છે, અહીંયાંથી ભંગાર, કચરો વગેરે દૂર કરવાની લાંબા સમયની રજૂઆતોને તંત્રે ધ્યાનમાં લીધી નથી.
http://sambhaavnews.com/

You might also like