મ્યુનિ. કોર્પો.માં સિક્યોરિટી ગાર્ડ એજન્સીનાં ધાંધિયાં યથાવત્ રહેશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનનાં સિવિક સેન્ટરો, હોસ્પિટલો, જિમનેશિયમ, અર્બન હેલ્થ સેન્ટર, બાગ-બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વોટર વર્ક્સ, મ્યુનિ. મુખ્યાલય સચિવની વિવિધ ઝોનલ ઓફિસ, કાંકરિયા, ઝૂ, સ્વિમિંગ પૂલ, ટાગોર અને ટાઉનહોલ જેવી મિલકતોની સુરક્ષા માટે વર્ષોથી સિક્યોરિટી ગાર્ડ મુકાય છે, પરંતુ જે તે રાજકીય પક્ષના આશીર્વાદથી સિક્યોરિટી ગાર્ડનાં કામકાજ સંભાળતી એક પણ એજન્સીનો અનેક પ્રકારની ફરિયાદો છતાં પણ વાળેય વાંકો થયો નથી અને જે પ્રકારે નવાં ટેન્ડર નીકળ્યાં છે તેને જોતાં આગામી પાંચ વર્ષ સુધી સિક્યોરિટી ગાર્ડની એજન્સીનાં ધાંધિયાં યથાવત્ રહેવાનાં છે.

કાંકરિયા ખાતે ૧૦૬ ગાર્ડ, ઝૂમાં ૩૪ ગાર્ડ, ઝોનલ ઓફિસમાં ૮૬, મેયર, કમિશનર સહિતના મ્યુનિ. બંગલાઓ માટે ૨૧ ગાર્ડ, હોસ્પિટલમાં ૧૦૯, બાગબગીચામાં ૭૪, સ્વિમિંગપૂલમાં ૩૩ એમ કુલ ૧૩૩૯ જેટલા સિક્યોરિટી ગાર્ડની નિમણૂક માટેનાં ટેન્ડર બહાર પડ્યાં છે, જોકે આશ્ચર્યજનક રીતે નવા ટેન્ડરમાં બેથી વધુ વર્ષ વિલંબ થયો છે. કોર્પોરેશનમાં જીઆઈએસએફ, શિવ, યુનિક ડેલ્ટા, શક્તિ અને ડોક્સન કંપની સિક્યોરિટી ગાર્ડની એજન્સી ધરાવે છે. આ પાંચ એજન્સીને દર મહિને આશરે રૂ.૩૦ લાખ મ્યુનિ. િતજોરીમાંથી સિક્યોરિટી ગાર્ડના કોન્ટ્રાક્ટ પેટે ચૂકવાય છે, જે દર વર્ષે આશરે રૂ.ચાર કરોડ થાય છે.

તેમ છતાં નવા ટેન્ડરમાં અનેક છિંડાંઓ યથાવત્ છે. ટેકનિકલ લાયકાત અને ફિટનેસ ધરાવતા ગાર્ડ્સને પ્રાધાન્ય અપાશે તેવો તંત્રનો દાવો છે, પરંતુ પોલીસ વે‌િરફિકેશન સહિતના ‘પસારા એક્ટ’ હેઠળના નિયમોની ઉપેક્ષા કરાઈ છે. જે તે એજન્સી હંમેશાં સિક્યોરિટી ગાર્ડને નિર્ધારિત કરતાં ઓછું વેતન ચૂકવીને તેમનું આર્થિક શોષણ કરે છે. તેમ છતાં મ્યુનિ. સત્તાવાળાઓએ નવા ટેન્ડરમાં કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીને પોતાના ગાર્ડ્સના સેલરી એકાઉન્ટ કોર્પોરેશનમાં ખોલવાની ફરજ પાડી નથી.

નિયત પોઈન્ટ પર ગાર્ડ હાજર ન હોય, ડમી હાજરી, મિલકતોમાં તોડફોડ, ચોરી, યુનિફોર્મ પહેર્યો ન હોય, ગાર્ડ દારૂ પીધેલી હાલતમાં હોય, સૂતેલા હોય, વધુ વય મર્યાદાના ગાર્ડ મુકાયા હોય જેવી વિવિધ ફરિયાદો દરેક એજન્સીની ઊઠતી હોવા છતાં આને લગતી પેનલ્ટીની રકમ સુધ્ધાં અગાઉ જેટલી રાખીને એજન્સીના સંચાલકોને સત્તાધીશોએ એક પ્રકારે ‘જલસા’ જ કરાવ્યા હોવાનું પણ જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like