મ્યુનિ. સીલિંગ મોડમાંઃ ૨૩ પાર્ટી પ્લોટ, ૭૦ દુકાન, ત્રણ રેસ્ટોરાંને તાળાં માર્યાં

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તંત્રની બીયુ પર‌િમશન વગર ચાલતા રપ પાર્ટી પ્લોટને સીલ મારી દેવાતાં પાર્ટી પ્લોટના સંચાલકો દોડતા થઇ ગયા છે. અા ઉપરાંત મ્યુનિ. તંત્રઅે એસજી હાઈવે પર મ્યુનિ.ના પ્લોટમાં ધમધમતી ત્રણ રેસ્ટોરાં સીલ કરી છે. અા ઉપરાંત થલતેજમાં ન્યૂયોર્ક ટાવર અને મેમનગરના સર્જન ટાવરની ૭૦ દુકાનો સીલ કરતા વેપારીઅોમાં સન્નાટો વ્યાપી ગયો છે.

નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ દ્વારા કોર્પોરેશનની મંજૂરી વગર અનધિકૃત રીતે ધમધમતા પાર્ટી પ્લોટને સીલ કરી દેવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જીપીએમસી એકટ ૧૯૪૯, ગુજરાત ટાઉન પ્લાનિંગ અર્બન ડેવલપમેન્ટ એકટ ૧૯૭૬ હેઠળ જે તે મિલકતનો પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગમાં લેતાં અગાઉ કોર્પોરેશનની પરવાનગી લેવી અાવશ્યક હોય છે પરંતુ આ રપ પાર્ટી પ્લોટના સંચાલકોએ મ્યુનિ. તંત્રની પરવાનગી લેવાની ઉપેક્ષા દાખવી હતી. ઉપરાંત આ તમામ પાર્ટી પ્લોટમાં પા‌ર્કિંગની પણ વ્યવસ્થા ન હતી તેમજ પ્લાન પણ મંજૂર કરાયા ન હતા. આ અંગે નવા પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહને પૂછતાં તેઓ કહે છે જે જે પાર્ટી પ્લોટને સીલ કરાયા છે તે તમામ સંચાલકોને બીયુ પર‌િમશન લીધા વગર પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરવા બદલ અગાઉ ત્રણ-ત્રણ વખત નો‌િટસ અપાઇ હતી.

છેલ્લે ગત તા.ર૧ માર્ચે પણ છેલ્લી ચેતવણીની નોટિસ  અપાઇ હતી. તેમ છતાં આ નોટિસોની ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરવામાં આવતાં કોર્પોરેશનને સિલિંગ કરવાની ફરજ પડી છે. અત્ર ઉલ્લેખનીય છે કે નવા પશ્ચિમ ઝોનમાં આશરે ૬૦ પાર્ટી પ્લોટ છે, જે પૈકી હાલમાં રપ પાર્ટી પ્લોટ વિરુદ્ધ બીયુ પર‌િમશનના મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઇ છે. એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ વધુમાં કહે છે આ પાર્ટી પ્લોટ સિવાય પણ જે પ્લોટના સંચાલકો પાસે બીયુ પર‌િમશન નહીં હોય તેવા પાર્ટી પ્લોટની સામે પણ આગામી સમયમાં સીલિંગની કાર્યવાહી હાથ ધરાશે.

આ પાર્ટી પ્લોટના સંચાલકોનો લગ્નગાળો બગડ્યો!
ટૂંક સમયમાં પરીક્ષાઓની ‌િસઝન પતી જઇને લગ્નગાળો પુરબહારમાં ખીલી ઊઠશે, પરંતુ રપ પાર્ટી પ્લોટ પર તંત્રના તાળા લાગ્યા હોઇ અત્રે લગ્ન આદિ માંગલિક પ્રસંગોની ઉજવણી અશકય બની છે. જેના કારણે લગ્નગાળો બગડતાં સંચાલકોની દોડધામ વધી ગઇ છે!

પ્લાન મંજૂરીને પાત્ર હશે તો સીલ ખોલવાની વિચારણા કરાશે
બીજી તરફ તંત્ર એમ કહે છે કે ‘આ પાર્ટી પ્લોટના સંચાલકોએ પ્લાનને કોર્પોરેશનમાં ઇન્વર્ડ કરાવવાના રહેશે. જો આ પ્લાન મંજૂરીને પાત્ર હશે તો તંત્ર સીલ ખોલવાની દિશામાં વિચારણા કરશે. જોકે જે તે પાર્ટી પ્લોટનું સીલ ખોલતી વખતે વહીવટીચાર્જ પેટે પેનલ્ટી પણ વસૂલાશે.’

મારુ‌િતનંદન, બાલાજી અને કૂલ પોઇન્ટને તાળાં લાગ્યાં
એસજી હાઇવે પરના થલતેજ ચાર રસ્તાથી નિરમા યુનિ. સુધીના પટ્ટાના વીસ રેસ્ટોરાં-ઢાબાને ગત તા.૧૪ માર્ચે તંત્ર દ્વારા ખાસ નો‌િટસ ફટકારાઇ હતી. આ રેસ્ટોરાં-ઢાબાના સંચાલકો પાસેથી સત્તાવાળાઓએ અધિકૃતતાના પુરાવા માગ્યા હતા. જે પૈકી આજે સવારે મારુતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરાં, બાલાજી ગાર્ડન રેસ્ટોરાં અને કૂલ પોઇન્ટ કેફે એમ ત્રણ રેસ્ટોરાંને સત્તાવાળાઓએ સીલ માર્યા હતા. આ તમામ રેસ્ટોરાં કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ પર ધમધમતાં હતાં!

party-plot-01

You might also like