સ્કૂલ બોર્ડની નાદારીઃ બાળકો માટે સ્વેટર ખરીદવા પૈસા નથી

અમદાવાદ: કોર્પોરેશન સંચાલિત મ્યુનિ. શાળાઓમાં ભણતાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારનાં બાળકોનાં કમનસીબે તેમના સહપાઠી તરીકે તેમના શિક્ષક, ‌વર્ગશિક્ષક, કર્મચારી, અધિકારી, ચેરમેન સહિતના સ્કૂલબોર્ડના સભ્યો કે એક પણ કોર્પોરેટરનાં બાળક ભણતાં નથી. આ તમામનાં બાળકો ખાનગી શાળામાં ભણતાં હોઇ મ્યુનિ. શાળાના ૧.૪ર લાખ બાળકોની હાલાકી આજે પણ યથાવત છે. સ્કૂલ બોર્ડ પાસે ચેરમેન પંકજસિંહ ચૌહાણની ઓફિસને નવા રંગરૂપ આપવા જોઇએ તેટલા રૂપિયા છે પરંતુ માસૂમ બાળકોને શિયાળાની આ કડકડતી ઠંડીના દિવસોમાં ટાઢ સામે હૂંફ આપવા સ્વેટર ખરીદવાં નાણાં નથી.

મ્યુનિ. સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણની ભવ્ય એસી ઓફિસમાં તંત્ર સુધારા-વધારા કરી રહ્યું છે. નવરંગપુરાની એલિસબ્રિજ શાળા નંબર દશના મકાનમાં બેસીને શહેરની તમામ મ્યુનિ. શાળાનું સ્કૂલ બોર્ડ સંચાલન કરી રહ્યું છે. ઓફિસનાં રિનોવેશનને કારણે ચેરમેન પંકજસિંહ ચૌહાણ ફરીથી વિવાદોમાં આવ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ માટે રૂ.પ૮ર.૪પ કરોડનું જંગી બજેટ ધરાવતા સ્કૂલ બોર્ડના શાસકોના અણધડ વહીવટના કારણે માસૂમ બાળકોના ભણતર સાથે ચેડાં થઇ રહ્યાં છે. રાજ્ય સરકારના ગુણોત્સવ કાર્યક્રમમાં સ્કૂલ બોર્ડની શાળાઓનો દેખાવ સાવ કંગાળ હતો. સત્તાધીશો બજેટ દરમ્યાન તો માસૂમ બાળકો અને વાલીઓને રંગીન સ્વપ્નાંઓ દેખાડે છે પરંતુ તે છેવટે ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’ બનીને બાળકો અને તેમનાં વાલીઓને છેતરે છે.

સ્કૂલ બોર્ડના સત્તાવાળાઓએ મોટા ઉપાડે બજેટમાં ધોરણ-૧ થી ધો.પમાં ભણતાં બાળકો માટે સ્વેટર ખરીદવાની જાહેરાત કરી છે. આ માટે બજેટમાં એક કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે. શિયાળાની કાતિલ ઠંડીના દિવસો શરૂ થઇ ચુક્યા છે પરંતુ હજુ સુધી સ્વેટરના મામલે નિર્ણય લેવાયો નથી.

ધો.૧થી ધો.પમાં ભણતાં કુલ એક લાખ બાળકો અને તેમનાં વાલીઓમાં સ્વેટર યોજનાની જાહેરાતના પગલે જ ખુશાલી ફેલાઇ ગઇ હતી. જો કે સ્કૂલ બોર્ડનાં અંતરંગ વર્તુળો કહે છે સંસ્થા પાસે સ્વેટર ખરીદવાનાં નાણાં જ નથી! એટલે એક કરોડના ખર્ચે બાળકો માટે સ્વેટર ખરીદવાની યોજાનાનું ‘અચ્યુતમ કેશવમ’ થઇ ગયું છે! આ અંગે સ્કૂલબોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણને પૂછતાં તેઓ ઉડાઉ જવા બ આપતાં કહે છે ‘હજુ શિયાળો તો આવવા દો.’
http://sambhaavnews.com/

You might also like