ચલણ પર અાડેધડ સિક્કા મારવાનું કૌભાંડ કોર્પોરેશન નાણાં વિભાગ પર ઓળઘોળ!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનમાં નિત નવા ભ્રષ્ટાચારના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ઇડબ્લ્યુ આવાસમાં મોટા જાતિ જ્ઞાતિનાં પ્રમાણપત્ર બનાવાનું કૌભાંડ કહો કે રોડ રિસરફેસિંગનાં વિવિધ કામોની પોલંપોલ ગણો કે નવા પશ્ચિમ ઝોનનું સિવિક સેન્ટરનાં નાણાકીય ઉચાપતનો મામલો લો પણ તંત્ર દ્વારા તમામ બાબતોમાં છેવટે ભીનું સંકેલવાનો જ પ્રયાસ થઇ રહ્યો છે. નવા પશ્ચિમ ઝોનના ઉચાપતકાંડમાં પણ સત્તાવાળાઓ નાણાં વિભાગ પર વિશેષ કૃપાદૃષ્ટિ દાખવતા આ બાબત વિવાદાસ્પદ બની છે.

નાણાં વિભાગ દ્વારા ગઇકાલે નવા પશ્ચિમ ઝોનના અનિલ પ્રજાપતિ, દિલીપ બામણિયા અને કૌશિક રાવલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. તંત્રના વિજિલન્સ વિભાગના પ્રાથમિક તપાસના રિપોર્ટના આધારે આ ત્રણ કૌભાંડી કેશિયર કર્મચારીને તત્કાળ સસ્પેન્ડ કરાયા છે. પરંતુ વિજિલન્સ વિભાગના રિપોર્ટમાં એકાઉન્ટ વિભાગના કેશિયરને એક પ્રકારે ‘કલીન ચિટ’ અપાતા આ બાબતે વિવાદનાં વમળ સર્જ્યાં છે.

કેમ કે ચીફ એકાઉન્ટન્ટની પોલીસ ફરિયાદમાં આ કૌભાંડનાં ચલણ પર આડેધડ સિક્કા મારનાર એકાઉન્ટ વિભાગના કેશિયરનો સમાવેશ કરાયો નથી. જોકે આ કર્મચારીને ચૂપચાપ સીએનસીડી વિભાગમાં ખસેડીને આડેધડ સિક્કા મારવા માટે તંત્રે શો કોઝ નોટિસ તો ફટકારી છે ! એટલે સત્તાવાળાઓ અત્યારે તો આ કેશિયરની ઘોર બેદરકારીને તો કબૂલે છે પરંતુ ગુનાઇત કૃત્યમાં તેમની સંડોવણીને મામલે પોલીસ તપાસનો આગ્રહ રાખી રહ્યા છે. કેમ કે, વિજિલન્સ વિભાગના પ્રાથમિક રિપોર્ટમાં અગમ્ય કારણસર એકાઉન્ટ વિભાગના આ કેશિયરની કે અન્ય કોઇ સ્ટાફની સીધી સંડોવણી બહાર આવી નથી.

આમાં રસપ્રદ બાબત તો એ છે કે, નાણાં વિભાગ અને તેની હેઠળનો એકાઉન્ટ વિભાગ તેમજ વિજિલન્સ વિભાગનો હવાલો એક જ ડેપ્યુટી કમિશનર સંભાળી રહ્યા છે. જેના કારણે પણ તંત્રની પોલીસ ફરિયાદ વિવાદાસ્પદ બની છે. તંત્ર નાણાં વિભાગ પર મહેરબાન હોય તેમ ચર્ચાઇ રહ્યું છે. જોકે એક ઉચ્ચ અધિકારીએ નાણાં વિભાગની પણ સંડોવણી બહાર આવશે તેમજ નવા પશ્ચિમ ઝોનના વહીવટી બ્રાંચના આસિસ્ટંટ મેનેજર સિવિક સેન્ટરોના ઇન્ચાર્જ વગેરેની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાની પણ કબૂલાત કરી છે.

You might also like