લારી-ગલ્લાવાળાઓને કોર્પોરેશનની ગર્ભિત ચીમકી, દસ દિવસ જપીને રહેજો!

અમદાવાદ: ગાંધીનગરમાં આગામી વાઈબ્રન્ટ ગુજરાતના ધમાકેદાર આયોજનના પગલે કોર્પોરેશનમાં દોડધામ વધી ગઈ છે. વાઈબ્રન્ટ ગુજરાત સ‌િમટમાં કોર્પોરેશનનો એક સ્ટોલ રાખવાને ગઈ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ લીલી ઝંડી આપી છે, જોકે અમદાવાદમાં ઠેરઠેર નજરે પડતા લારી-ગલ્લાઓ તંત્રની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે, તેમાં પણ દેશ-વિદેશના મહાનુભાવો શહેરના રાજમાર્ગો પર લારી-ગલ્લા ધમધમતા નિહાળે તો તેમાં કોર્પોરેશનનું નીચાજોવાપણું થતું હોઈ ખાસ કરીને મધ્ય ઝોન, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓએ લારી-ગલ્લાવાળાઓને દસ દિવસ સુધી જપીને રહેવાનો ગર્ભિત ઈશારો કર્યો છે.

આમ તો વાઈબ્રન્ટ ગુજરાત સ‌િમટ-૨૦૧૭ અંતર્ગત શહેરમાં મહાનુભાવોની અવરજવર ધરાવતા રસ્તાઓના નવીનીકરણ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી બે કરોડ ખર્ચાઈ રહ્યા છે. સર્કલની મરામત, વીજ‍ળીના થાંભલાને રંગકામ, રસ્તાઓ ઉપરની ગ્રિલની મરામત તેમજ સંબંધિત બીઆરટીએસ રૂટના કો‌િરડોરનું સુશોભન વગેરે પાછળ પણ પાણીની જેમ પૈસા ખર્ચાઈ રહ્યા છે. અગાઉની સ‌િમટની જેમ આગામી સ‌િમટમાં પણ દેશ-વિદેશના મહાનુભાવો શહેરની આલિશાન હોટલોમાં ઊતરશે તેમજ રિવરફ્રન્ટ, કાંકરિયાની મુલાકાત લેશે અને બીઆરટીએસની મુસાફરી કરશે. આ મહાનુભાવો માટે અમદાવાદ પણ હંમેશની જેમ આકર્ષણનું કેન્દ્ર બનવાનું હોઈ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દોડતા થઈ જાય તે સાવ સ્વાભાવિક બાબત છે, પરંતુ સોનાની થાળી બનાવવા નીકળેલા તંત્ર માટે લારી-ગલ્લા મેખ બન્યા છે.

ખુદ જે તે ઝોનના એસ્ટેટ વિભાગના હપ્તાબાજ સ્ટાફ સાથેની મિલીભગતથી ગલીએ ગલીએ લારી-ગલ્લાનાં દબાણ ઊભાં થયાં છે. લારી-ગલ્લાનાં દબાણ જે તે વિસ્તારના નાગરિકો માટેનાં અનિષ્ટ બન્યાં હોવા છતાં એસ્ટેટ વિભાગનો ભ્રષ્ટ સ્ટાફ ‘રોકડી’ કરતો રહે છે. આ બે નંબરી કમાણી છેક ટોચના અધિકારી સુધી પહોંચતી હોવાથી લારી-ગલ્લાનાં દબાણ શહેરના રાજમાર્ગો પર પણ બેધડકપણે વધ્યાં છે.

અત્યાર સુધી રાજમાર્ગો પરના લારી-ગલ્લાનાં દબાણોની સામે હપ્તા ઉઘરાવીને આંખ આડા કાન કરનારા જે તે ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી સફાળા જાગી ઊઠ્યા છે. જે તે ઝોનના એસ્ટેટ વિભાગના વહીવટદારોએ સ‌િમટ  સંબંધિત રાજમાર્ગો પરના લારી-ગલ્લાવાળાઓને આગામી તા.૧૫ જાન્યુઆરી સુધી
ધંધો નહીં કરવાની તાકીદ કરી દીધી છે.

સૂત્રો કહે છે, ‘હમણાં દસ દિવસ જપીને રહેજો, ૧૫મી તારીખ પછી પાછા રસ્તા પર લારી-ગલ્લા લઈને અગાઉની જેમ બેધડક ઊભા રહેજો તેવી તંત્રની તાકીદના પગલે આ તમામ લારી-ગલ્લાવાળા કામચલાઉ રીતે ઘરે બેસી જતાં રોજગાર વગરના પણ થયા છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે ૧૫મી જાન્યુઆરી પછી આ તમામ લારી-ગલ્લાવાળાઓ પોતાનો ધંધો-રોજગાર તંત્રને રાબેતા મુજબના હપ્તા ચૂકવીને યથાવત કરી શકશે. અત્યારે તો ફક્ત વાયબ્રન્ટ ગુજરાત સમિટના હોકારા-પડકારા થઈ રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like