મ્યુનિ.નાં રોડ-બિલ્ડિંગ બ્રિજ સહિતનાં કામ ઠપ

અમદાવાદ: ગ્રીટ કપચી અને મેટલના ક્વોરીવાળા અને રાજ્ય સરકાર વચ્ચે ક્વોરીની માપણી સહિતના મામલે ખટરાગ થયો છે. લીઝ, પેનલ્ટી સહિતના પ્રશ્ને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાનો સરકારનો અાગ્રહ હોઈ ક્વોરીવાળા છેલ્લા છ દિવસથી હડતાળ પર ઊતર્યા છે. જેને કારણે કોર્પોરેશનનાં રોડ, બિલ્ડિંગ અને બ્રિજનાં કામ ઠપ થઈ ગયાં છે.

મ્યુનિ. કોર્પોરેશનના શહેરભરમાં રોડ રિસરફેસિંગનાં, પેવર બ્લોકનાં, બિલ્ડિંગ, બ્રિજનાં નિર્માણ ઉપરાંત પાણી ગટરનાં કામો ચાલતાં હોય છે પરંતુ ગ્રીટ કપચી અને મેટલના માલનો પુરવઠો બંધ થતાં તંત્રનાં રોડ રિસરફેસિંગનાં કામો બંધ થયાં છે. ચાંદલોડિયા જેવા વિસ્તારમાં ધમધમતી પેવર બ્લોકની ફેકટરીઓનો ધમધમાટ અટકી પડ્યો હોઈ મજૂરોને ઘર ભેગા થવાની નોબત આવી છે. ગ્રીટ, મેટલના અભાવે નવી બિલ્ડિંગ અને બ્રિજનાં નિર્માણ કાર્યને માઠી અસર પડી છે.

વાઈબ્રન્ટ ગુજરાતના આગામી દિવસોમાં સત્તાધીશોએ દેશી વિદેશી મહાનુભાવોને પ્રભાવિત કરવા રોડ રિસરફેસિંગ માટે ખાસ બજેટ ફાળવ્યું છે પરંતુ હડતાળને પગલે તંત્રમાં પણ  દોડધામ મચી છે. ક્વોરીવાળાઓએ આગામી તા.૩૦ ડિસેમ્બર સુધીની હડતાળનું એલાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ કોર્પોરેશનનાં કામ કરતા કોન્ટ્રાક્ટર આજે મ્યુનિ. કમિશનર મૂકેશકુમારને મળવાના છે. તેમ જણાવતાં અમદાવાદ મ્યુનિ. કોન્ટ્રાક્ટર્સ એસો.ના પ્રમુખ મધુસૂદન પંડ્યા વધુમાં કહે છે, “ક્વોરીવાળાની હડતાળથી પાણી ગટરનાં કામ સિવાયનાં ગ્રીટ-મેટલ સંબંધિત કામ ઠપ થયાં હોઈ અમે તંત્ર આ કામનાં વિલંબથી પેનલ્ટીની કાર્યવાહી ન કરે તેવી કમિશનર મૂકેશકુમાર સમક્ષ રજૂઆત કરવાના છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે રોડ રિસરફેસિંગનાં કામનું ઘોડું માંડ માંડ દોડતાં નાગરિકોએ સહેજ રાહત અનુભવી હતી, જોકે હડતાળથી બિસમાર રસ્તાથી જલદી છૂટકારો મળશે નહીં.”
http://sambhaavnews.com/

You might also like