પ્રોપર્ટી ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફરની અરજીનો સ્થળ ઉપર નિકાલ કરાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના લાખો પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ માટે સારા સમાચાર છે. જે પ્રોપર્ટી ટેક્સ દાતાને બિલમાં નામ ટ્રાન્સફર કરાવવાનું હશે તો તેવા ટેક્સ દાતાની નામ ટ્રાન્સફરની અરજીનો તંત્રની ઝોનલ કચેરી ખાતે સ્થળ ઉપર જ નિકાલ થઈ જશે. આ માટે અરજદારોએ પાક્કો દસ્તાવેજ, ઈન્ડેક્સ અને કોટ વિસ્તારના અરજદારોએ સિટી સર્વે નંબરને પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ માટે તંત્ર દ્વારા આગામી તા.૧૮ અને ૧૯ જૂને તમામ ઝોનલ કચેરી ખાતે પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સવારના અગિયારથી બપોરના બે વાગ્યા સુધી ચાલનારા પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ અરજદારોની નામ ટ્રાન્સફરની અરજીનો તત્કાળ પુરાવા રજૂ કર્યેથી સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. જે માટે આસિ. મેનેજરને સત્તા અપાઈ છે.

જ્યારે પ્રોપર્ટી ટેક્સ ઘટાડાની અરજી સહિતની અરજીનો સ્થળ ઉપર સ્વીકાર કરીને અરજદારને આ અંગેની રસીદ આપવામાં આવશે. ત્યાર બાદ જે તે ઝોનલ કચેરી દ્વારા અરજદારની અરજીઓ ચકાસી સક્ષમ સત્તાની મંજૂરી અર્થે મૂકવામાં આવશે. એક અંદાજ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પ્રોપર્ટી ટેક્સને લગતા ૨૫૦૦૦ જેટલા વાંધાઓના િનકાલ કરવાના થાય છે.

પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આગામી તા.૧૮ અને ૧૯ જૂન બાદ બીજો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨ અને ૩ જુલાઈએ યોજાશે. પહેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળના મોટાભાગના અરજદારોની અરજીનો પંદર દિવસમાં નિકાલ લાવવાનો પ્રયાસ સત્તાવાળાઓ દ્વારા કરાઈને તા.૨ અને ૩ જુલાઈએ જે તે અરજદારોને તેમની અરજીની સ્થિતિથી અવગત કરાશે.

સામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્સની વાંધા અરજીઓમાં નામ ટ્રાન્સફર ઉપરાંત મકાનમાલિક કે ભાડૂત જેવા કબજેદાર બદલવા તેમજ અન્ય સુધારા જેવા કે રહેઠાણ કે દુકાન જેવા મિલકતના ઉપયોગમાં સુધારા કે જે તે મિલકતના માપમાં સુધારાની વાંધા અરજીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંધ મિલકતની વાંધા અરજીઓ પણ તંત્ર સમક્ષ નિકાલ માટે આવતી હોય છે. જોકે આ પ્રકારની અરજીઓનો નિકાલ જે તે નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં થાય છે.

You might also like