૮૦ઃ૨૦ની જનભાગીદારીની સ્કીમમાં ‘ગોટાળા’ની બૂમરાણ

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીના અભિગમથી થતાં કામોમાં વિભાગીય સ્તરેથી વ્યાપક ગોટાળા પ્રકાશમાં આવ્યા છે. ૮૦ઃ૨૦ની સ્વર્ણિમ જનભાગીદારીના સ્કીમના ગોટાળાથી મ્યુનિ. તંત્રમાં ટોચના સ્તરેથી ગંભીરતાથી નોંધ લેવાઈ છે.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અપાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટથી ખાનગી સોસાયટીઓમાં તંત્ર દ્વારા જનભાગીદારી મોડેલથી વિવિધ પ્રકારનાં કામ હાથ ધરાય છે. ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ, સ્ટ્રીટલાઈટ, પાણીની લાઈન તથા પેવર બ્લોક પેવિંગનાં કામોને ૮૦ઃ૨૦ની સ્કીમ હેઠળ હાથ ધરાય છે. જેમાં પ્રત્યેક સો રૂપિયાના કામમાં રાજ્ય સરકારનો ફાળો સિત્તેર રૂપિયાનો, કોર્પોરેશનનો ફાળો ૧૦ રૂપિયાનો એમ એંશી રૂપિયા ગ્રાન્ટ પેટે અપાય છે. જે તે સોસાયટીએ વીસ રૂપિયાનો ફાળો આપવાનો હોય છે.

ભાજપના શાસકો સ્વર્ણિમ જનભાગીદારી સ્કીમની સફળતાનાં ગુણગાન ગાતાં થાકતાં નથી. શહેરની ૪૦૦૦ કરતાં વધારે સોસાયટીમાં ગત વર્ષ રૂ.૩૫૦ કરોડ કરતાં વધુ રકમની ૮૦ઃ૨૦નાં વિવિધ કામો હાથ ધરાયાં તેમ જ રાજ્યની તમામ કોર્પોરેશનમાં ૮૦ઃ૨૦નાં કામોમાં અમદાવાદ કોર્પોરેશન પ્રથમ ક્રમાંકે છે તેવો પ્રશ્ન શાસક પક્ષનો દાવો છે. જનભાગીદારીના સફળ મોડેલના પ્રયોગને કારણે શહેરને ‘ડસ્ટ ફ્રી સિટી’ બનાવવાના પ્રયાસમાં હરણફાળ આવી છે અને સોસાયટી વિસ્તારમાં સ્વચ્છતાનું ધોરણ ઊંચું આવ્યું હોવાનું સત્તાધીશોનું કહેવું છે.

પરંતુ ૮૦ઃ૨૦નાં કામોનું આ આભાસી ચિત્ર છે. કેમ કે કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિરોધપક્ષ કોંગ્રેસના એકપણ સભ્યને સ્થાન અપાયું ન હોઈ ખુદ ભાજપના સભ્યોને ૮૦ઃ૨૦ના કામોની ગેરરીતિ અંગે ફરિયાદ કરવી પડે છે. શાસક પક્ષના આ કોર્પોરેટરોએ તો કોર્પોરેશનની દસ ટકા ગ્રાન્ટ બાકી હોવાની બૂમો સ્ટેન્ડિંગ કમિટીમાં પાડતા આવ્યા છે.

જોકે આઘાતજનક બાબત એ છે કે ૮૦ઃ૨૦ સ્કીમ અંતર્ગત કમિશનર મૂકેશકુમારને જે તે વિભાગ દ્વારા અપાતી આંકડાકીય માહિતીમાં જ વિસંગતા છે! આમ પણ મ્યુનિ. અધિકારીઓ પોતાના વિભાગનાં કામોનો આંકડાકીય માહિતીનું ફુલગુલાબી ચિત્ર ઉપસાવવામાં માહિર છે પરંતુ કમિશનરને પણ ૮૦ઃ૨૦ સ્કીમના ગોટાળાની ગંધ આવતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા છે.

ઈજનેર વિભાગ અને લાઈટ વિભાગ દ્વારા ૮૦ઃ૨૦નાં કામોને લગતી જે પત્રકો કમિશનર સમક્ષ રજૂ કરાયાં તેમાં ખાનગી સોસાયટીઓમાં થયેલાં કામોનો ‘તાળો’ જ બેસતો ન હતો. પૂર્ણ કરાયેલાં વિવિધ કામો, બાકી કામો, વપરાયેલી રકમને લગતો ગોલમોલ હિસાબ જોઈને મૂકેશકુમાર ચોંકી ઉઠ્યા હતા. હવે ઈજનેર વિભાગ અને લાઈટ વિભાગને આપસમાં જરૂરી સંકલન કરીને સચોટ માહિતી પૂરી પાડવાની કમિશનરે આદેશ આપતા આ બંને વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. જનભાગીદારીના ૮૦ઃ૨૦નાં કામોને ઝડપથી તેમ જ એક સમાન પદ્ધતિ અને સરખા સ્પેસિફિકેશનથી હાથ ધરવા કોન્ટ્રાક્ટરોની એમ-પેનલ બનાવવાની કમિશનરના આદેશથી પણ મનમાની કરતાં અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

You might also like