મ્યુનિ. અધિકારીઓ વતી રૂપિયા ઉઘરાવતા બે વચેટિયા પકડાયા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના દબાણખાતા દ્વારા ખોટી હેરાનગતિ ન થાય તે માટે લારી-ગલ્લાવાળા પાસેથી રૂ.પ૦૦૦ની લાંચ લેતાં બે વચેટિયાની એન્ટિકરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી છે. એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ બંને વચેટિયાઓ કોર્પોરેશનના અધિકારીઓ વતી લાંચ લેતા હતા. એક નિવૃત્ત અધિકારી પણ આમાં સંડોવાયેલા હોવાની એસીબીએ શંકા વ્યક્ત કરી છે. બંનેની પૂછપરછ દરમ્યાન અધિકારીઓનાં નામ ખૂલે તેવી શક્યતા છે.

ગુજરાત એન્ટિકરપ્શન બ્યૂરોના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર એક ફોન આવ્યો હતો, જેમાં ફરિયાદી અમદાવાદમાં પોતાની લારી ધરાવે છે. આ લારી ઊભી રાખવાને લઇ દબાણ થતું હોઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણખાતા દ્વારા કોઇ ખોટી હેરાનગતિ ન થાય તે માટે સબભા પરમાર (રહે. જાસનગર, જનતાનગર પાસે, રામોલ) અને મહેશભાઇ અડવાણી (રહે.મનહરકુંજ સોસાયટી, મણિનગર) દ્વારા રૂ.પ૦૦૦ની લાંચ માગવામાં આવી હતી.

ટોલ ફ્રી નંબર પર આવેલી ફરિયાદના આધારે ગાંધીનગર એસીબી પીઆઇ રવિ પટેલ અને ટીમે છટકું ગોઠવી બંનેને રૂ.પ૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યા હતા. એસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બંને વચેટિયાઓ કોર્પોરેશનના અધિકારીઓ અથવા માણસો વતી લાંચ લેતા હતા અને એક નિવૃત્ત અધિકારી પણ આમાં સંડોવાયેલા છે. હાલમાં બંનેની ધરપકડ બાદ રિમાન્ડ મેળવી કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં એસીબી તપાસ શરૂ કરશે.

You might also like