નિકાેલના દુકાનદારોએ છેક ૨૦૧૧માં સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી હતી

અમદાવાદ: ગઈ કાલે નિકોલ ગામ રોડ ખાતે મ્યુનિ. તંત્ર દ્વારા ભારે બેદરકારીથી હાથ ધરાયેલા ડિમોલિશન દરમિયાન જે કરુણ દુર્ઘટના સર્જાઈ તેનાથી સમગ્ર શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આમાં આઘાતજનક બાબત એ છે કે નિકોલ ગામ રોડના દુકાનદારો છેક ૨૦૧૧માં તત્કાલીન શહેરી વિકાસ નીતિન પટેલને મુખ્યપ્રધાનના સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી રૂબરૂ પણ મળ્યા હતા. તે વખતે નીતિન પટેલે તત્કાલીન મ્યુનિ. કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્ર સાથે ચર્ચા કરીને તેમને સ્થળ તપાસ કરીને નિર્ણય લેવાની સૂચના આપી હતી તેમ છતાં કોર્પોરેશનનાં માંધાતાઓ ગાંધીનગરના આદેશને ઘોળીને પી ગયા હતા.

ડિમોલિશનકાંડ સામે લોકોમાં ભભૂકતો રોષ: નિકોલ સજ્જડ બંધ!

સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોનો એવો આક્ષેપ છે કે કોર્પોરેશનના ટીપી સ્કીમ કૌભાંડનું જીવતુંજાગતું ઉદાહરણ સૈજપુર બોઘાની ટીપી-૬૫ અને નિકોલ-રખિયાલની ટીપી-૧ની વચ્ચેનો નેશનલ હાઈવે નંબર-૮ એપ્રોચ ચાર રસ્તાથી શરૂ થતા નિકોલ ગામ રોડનું છે. આ રોડની ડાબી બાજુએ સૈજપુર બોઘા ટીપી-૬૫ની દુકાનો છે, જ્યારે તેની સામેનો ભાગ નિકોલ-રખિયાલ ટીપી-૧માં આવે છે. સૈજપુર બોઘાની ટીપી દાયકાઓ જૂની હોવા છતાં મ્યુનિ. સત્તાવાળાઓએ રોડ-રસ્તા, ફાઈનલ પ્લોટ, ગેરકાયદે બાંધકામોને છાવરવા માટે હજુ સુધી ફાઈનલ કરી નથી. જ્યારે નિકોલ-રખિયાલની ડ્રાફ્ટ સ્કીમ ૧૯૮૭માં બનાવીને છેક ૧૯૯૮માં ફાઈનલ કરી હતી.

દુકાનદારોને લેખિત નોટિસ વિના ડિમોલિશન કરાતાં દુર્ઘટના બની

નિકોલ ગામ રોડ પરની જમણી બાજુએ આવેલી એક જૂની મિલની માર્જિનની જગ્યામાં અને તેની બાજુમાં સ્થિત ડાયમંડ પ્રોસેસ મિલની માર્જિનની જગ્યામાં રસ્તો પહોળો કરવા માટેનું કાયદેસરનું કટિંગ ડાબી બાજુએ વાળવામાં આવ્યું તેવા આક્ષેપ પણ ઊઠ્યા છે.

આ સંજોગોમાં રોડની ડાબી બાજુના દુકાનદારોએ છેક ગાંધીનગર સુધી ફરિયાદ કરતાં નીતિન પટેલે અરજદારોને સાથે રાખીને ટીપી વિભાગના અધિકારીઓને સ્થળ પર રૂબરૂ તપાસ કરવા મોકલીને તેના આધારે નિર્ણય લઈને અભિપ્રાય સહ અહેવાલ રજૂ કરવાની તાત્કાલિક કમિશનરને સ્પષ્ટ સૂચના આપી હતી, પરંતુ તેનો અમલ થયો નહીં!

દુકાનદારોના પ્રતિનિધિમંડળે નિકોલ ગામ રોડ પહોળો કરવામાં થયેલા ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે જૂનો ડ્રાફ્ટ નક્શો મેળવવા આરટીઆઈ દ્વારા પ્રયાસ કર્યો હતો, પરંતુ મ્યુનિ. તંત્રએ એમાં પણ નફટાઈ કરીને જૂનો ડ્રાફ્ટ નકશો જ ગાયબ કરીને હાથ ઊંચા કરી દીધા હતા! દશ મહિના પહેલાં આ કૌભાંડ પ્રત્યે જાગૃતિ લાવવા દુકાનદારોના એક પ્રતિનિધિએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલ્યું ન હતું.

સામાજીક કાર્યકર અશ્વીન કાનકડ કહે છે કે ૨૦૧૦માં દુકાનદીઠ રૂપિયા ઉઘરાવીને હાઈકોર્ટમાં પિટિશન કરાવનાર અત્રેના સ્થાનિક અગ્રણી તેમજ ભાજપનાં મહિલા કોર્પોરેટરના પતિએ બીજી વખત ફી પેટે મોટી રકમની માગણી કરી હતી તેમજ આ કહેવાતા અગ્રણીએ બંધબારણે કેસને લૂલો-લંગડો કરીને પતાવટ કરી લીધી હોવાનું આજે પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

સ્થાનિક રહેવાસીઓ રોષભેર કહે છે, મ્યુનિ. કોર્પોરેશનમાં ગેરકાયદે બાંધકામો બંધાવવા, વિકાસના નામે રોડ-રસ્તા પહોળા કરાવવા માટે કપાતની દિશામાં ફેરબદલ કરાવવી, ટીપીના નામે લોકોને ઊઠાં ભણાવવા અને છેલ્લે યુદ્ધના ધોરણે તોડફોડ કરવા નીકળીને પ્રજાને ડરાવવાનો પ્રયાસ કરવો. આ જાણે કે તંત્રના અધિકારીઓ અને રાજકીય નેતાઓ માટે ધંધો બની ગયો છે.

દુકાનદારોની એવી પણ માગણી છે કે જો કાલુપુર તરફ જતા વોરાના રોજા આગળથી રસ્તો પૂર્ણ બંધ કરાવીને ત્યાંના લોકોને લાભ કરાવી શકાતો હોય તો આવી કાર્યવાહી અત્રે પણ કરવામાં આવે.

swagat-online-1

You might also like