કોર્પોરેશન નિકોલમાં પોલીસ સ્ટેશન બનાવવા માટે પ્લોટ ફાળવશે

અમદાવાદ: એક તરફ પોલીસ તંત્રનો કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેકસ મ્યુનિ. ચોપડે બાકી બોલે છે ત્યારે બીજી તરફ કોર્પોરેશન નિકોલ ખાતે ત્રણ પોલીસ સ્ટેશનના નિર્માણ માટે ૧૭૧૮ ચો.મી. જમીનનો પ્લોટ આપવા જઇ રહ્યું છે. કોર્પોરેશનના સૌથી નાના એવા મધ્ય ઝોનના પોલીસ સ્ટેશન, પોલીસ ચોકી અને પોલીસ કવાર્ટર્સનો જ બાકી ટેકસ આશરે રૂ. ત્રણ કરોડથી વધુનો છે.

શહેરના અન્ય ઝોનમાં પણ સરેરાશ ચાર કરોડનો બાકી ટેક્સ ગણીએ તો સહેલાઇથી છ ઝોનનો આશરે રૂ. રપ કરોડનો થશે. આ બાકી ટેક્સ ચૂકવવામાં પોલીસ સત્તાવાળાઓ ઠાગાઠૈયા જ કરી રહેલ છે. તેમ છતાં પોલીસ કમિશનરના ગત તા.ર૧ નવેમ્બર, ર૦૧પના પત્રના આધારે મ્યુનિ. તંત્રમાં નિકોલમાં પ્લોટ શોધવા માટે દોડધામ શરૂ થઇ ગઇ હતી. છેવટે ટીપી ૧૧૧ના ફાઇનલ પ્લોટ ર૦૦નો ૧૭૧૮ જમીન ધરાવતો પ્લોટ હેતુફેર કરીને આપવાનો નિર્ણય લેવાયો છે.

આની સાથે સાથે રાજ્ય સરકાર શહેરી ગરીબો માટેની સુવિધાપૂર્ણ આવાસ યોજના હેઠળ ડ્રાફટ ટીપી સ્કીમ નં.૩૬ના ફાઇનલ પ્લોટ નં.૧૦૦માં ૩પપ૮ ચો.મી.નો પ્લોટ તેમજ ડ્રાફટ ટીપી સ્કીમ નં.૧ર૭ના ફાઇનલ પ્લોટ નં.૬પના ૬૬૭૭ ચો.મી.નો પ્લોટ એમ બે પ્લોટ કોર્પોરેશને ફાળવવા જઇ રહ્યું છે. આ બંને પ્લોટ પર તંત્ર આશરે ૬૦૦ ઇડબ્લ્યુએસ ક્વાર્ટર્સનું નિયમન કરશે.

આ ઉપરાંત કાંકરિયા વોર્ડમાં ભુલાભાઇ ચાર રસ્તાથી ગૌતમનગર ચાર રસ્તા સુધીના રોડ પર રૂ.૮.૯૭  લાખના નવ મેનહોલ બનાવશે તેમજ ચાંદલોડિયા ખાતે પ૩પર ચો.મી. જમીનનો પ્લોટ અમદાવાદ જિલ્લા પંચાયતને શાળા બાંધવા માટે આપશે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગેની વિભિન્ન દરખાસ્તો તંત્ર દ્વારા મંજૂરી માટે મુકાઇ છે.

You might also like