નારોલ-વિશાલા રોડ પરના ગટરલાઈનના કામ પર ઉચ્ચ અધિકારીઓની ચાંપતી નજર

અમદાવાદ: ભાજપ શાસિત કોર્પોરેશનના રોડ, પાણી, ગટરનાં કામોમાં ભ્રષ્ટાચારની હવે નવાઇ નથી રહી. અવારનવાર તંત્રના ભ્રષ્ટ નીતિ રીતિના કિસ્સાઓ સપાટી પર આવતા રહે છે. દક્ષિણ ઝોનમાં કોઝી હોટલથી આવકાર હોલની ગટરલાઇન પણ ભ્રષ્ટાચારથી ભારે વિવાદાસ્પદ બની છે. હવે આગામી ચોમાસામાં આ લાઇન સ્થાનિક લોકોને ઉપયોગી થઇ શકે તે દિશામાં શાસકો ચિંતાતુર બનીને દોડધામ કરી રહ્યા છે.

આમ તો દક્ષિણ ઝોનના નારોલ-વિશાલા રોડ પરના ૧.૫૦ કિમી વિસ્તારમાં રૂ. ૩૪ કરોડના ખર્ચે આ ગટરલાઇન નંખાઇ પણ ગઇ હતી. કોર્પોરેશનની છેલ્લી ટર્મના એક મલાઇદાર કમિટીના તત્કાલીન ચેરમેનના પુત્ર અને સેક્રેટરી ઓફિસ સાથે સંકળાયેલા એક પૂર્વ ઉચ્ચ અધિકારીના પુત્રની સંયુક્ત ભાગીદારી ધરાવતી કંપનીએ આ ગટરલાઇનનો પેટા કોન્ટ્રાક્ટ મેળવીને ભારે ભ્રષ્ટાચાર આદર્યો હોવાનું પણ જે તે સમયે જાણકાર વર્તુળોમાં જોરશોરથી ચર્ચાયું હતું, જોકે માત્ર ત્રણ મહિનામાં નંખાયેલી આ ગટરલાઇન પરનો રોડ ગયા ચોમાસાના પહેલા જ વરસાદે બેસી ગયો હતો. ત્યાર બાદ જે ઊંડાણે પાઇપલાઇન નાખવાની હતી તેના કરતાં ઉપર ઉપર જ નખાયાના પણ આક્ષેપો ઊઠ્યા હતા.

છેવટે મ્યુનિ. વિજિલન્સ વિભાગને આ ગટરલાઇનના ભ્રષ્ટાચારના તપાસની કામગીરી સોંપાઇ હતી, જેમાં ગટરલાઇન ટેન્ડરની શરતો જેટલી ઊંડી નખાઇ નથી તે સહિતની ભ્રષ્ટ કામગીરી ખુલ્લી પડી હતી, જેના કારણે દક્ષિણ ઝોનના એડિશનલ સિટી ઇજનેરની અન્ય વિભાગમાં બદલી કરાઇને તેમના સહિત કુલ ત્રણ ઇજનેરોને શોકોઝ નોટિસ ફટકારાઇ છે.

જોકે હવે શાસક પક્ષ માટે કોઝી હોટલથી આવકાર હોલની ગટરલાઇન પડકારરૂપ બની છે. ગયા ચોમાસામાં શાસકોની આ ગટરલાઇનના ફિયાસ્કાથી લોકોમાં ભારે ફજેતી થઇ હતી. હવે ફરીથી પ્રજાની નજરોમાં થોડીઘણી બચેલી આબરૂનું પણ આ ચોમાસામાં ધોવાણ ન થાય તે માટે ઉચ્ચ પદાધિકારીઓ સતત સ્થળ મુલાકાત લઇને નવેસરથી હાથ ધરાયેલા કરોડો રૂપિયાના આ પ્રોજેક્ટના કામકાજ પર ચાંપતી નજર રાખી રહ્યા છે!

You might also like