મ્યુનિસિપલ શાળા: વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ વાલીઓને SMSથી મોકલાશે

અમદાવાદ: મ્યુનિ. શાળાઓમાં ધોરણ છથી આઠમાં ભણતાં બાળકો માટે સારા દિવસો આવ્યા છે. આ ધોરણમાં ભણનારાં બાળકો માટે સ્કૂલબોર્ડના સત્તાવાળાઓએ ગણિત અને વિજ્ઞાનના વિષયો માટે “સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ” શરૂ કર્યો છે. હવે તેમના વાલીઓને પોતાના બાળકની વાર્ષિક-અર્ધવાર્ષિક પરીક્ષાનાં પરિણામ મોબાઇલ એસએમએસથી મળશે.

સ્કૂલબોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઇ કહે છે કે સમગ્ર દેશમાં સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમનો પ્રારંભ કરનાર અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડ પ્રથમ છે, જે અંતર્ગત ધોરણ છથી આઠનાં બાળકોને ગણિત-વિજ્ઞાનનો બાયસેગ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે. નવા શૈક્ષણિક સત્રથી આ બાળકોને સમાજવિદ્યા અને ભાષાનો પણ અભ્યાસ કરાવવામાં આવશે.
તાજેતરમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે મ્યુનિ. શાળાનાં બાળકો માટે ‘સ્માર્ટ એપ’નું લોન્ચિંગ કરાયું છે, જે હેઠળ ધોરણ છથી આઠનાં બાળકોના વાલીઓને તેમના બાળકના અર્ધવાર્ષિક-વાર્ષિક પરિણામ એસએમએસથી મોકલવામાં આવશે તેમ પણ તેઓ કહે છે.

ધોરણ છથી આઠના કુલ ૫૬,૦૦૦ વિદ્યાર્થીઓ છે, જે પૈકી ૩૨,૦૦૦ વિદ્યાર્થીઓના વાલીઓના મોબાઇલ ફોનના નંબર મેળવી લેવાયા છે. જે તે વાલીને ગણિત-વિજ્ઞાનના જે તે પ્રકરણના બાદ લેવાતી દશ કે ૨૫ ગુણની પરીક્ષામાં બાળકે મેળવેલા ગુણની પણ જાણકારી એસએમએસ દ્વારા અપાશે, જેનાથી વાલીને પોતાના બાળકના અભ્યાસની પ્રગતિનો ઘેરબેઠાં અહેવાલ મળી જશે. સ્કૂલબોર્ડના સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમને શહેરની ખાનગી શાળાઓએ પણ હોંશભેર વધાવ્યો હોવાનો દાવો તંત્રે કર્યો છે. ધોરણ એકથી પાંચનાં બાળકોમાં વાચન, લેખન, ગણનની પ્રવૃત્તિઓ ખીલવવા માટે ઉનાળામાં વિશેષ વર્ગ યોજાશે તેમ પણ શાસનાધિકારી કહે છે.

You might also like