મ્યુનિ.ના નવા બગીચાઓ પણ મેન્ટેનન્સ માટે અમૂલને અપાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના બાગ-બગીચા વિભાગને હવે પછી તંત્રની માલિકીના બગીચાઓમાં અઠવાડિયામાં એકાદ વખત ફક્ત નિરીક્ષણ હેતુ રાઉન્ડ લેવાની જ કામગીરી કરવાની રહેશે. હયાત અનેક બગીચા ઉપરાંત કોર્પોરેશન દ્વારા ભવિષ્યમાં વિકસિત કરવામાં આવનારા નવા બગીચાને પણ અમૂલને જાળવણી માટે સોંપાશે. જોકે અમૂલની જાળવણી બાબતે અનેક વાર વિવાદ ઉઠ્યા છે.

લો ગાર્ડન અને પરિમલ ગાર્ડન સિવાય શહેરના મ્યુનિ. માલિકીના કુલ ૨૩૦ બગીચા પૈકી હાલમાં અમૂલ ડેરીને ૧૨૬ બગીચાની જાળવણીની પીપીપીના ધોરણે કામગીરી સોંપાઈ છે. જે પૈકી ૧૧૫ બગીચાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ. કોન્ટ્રાક્ટના નવીનીકરણની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
આ ઉપરાંત અત્યારે કોર્પોરેશન દ્વારા જાળવણી કરવામાં આવતા ૮૪ બગીચાઓની જાળવણી પણ અમૂલ ડેરીને સોંપવાની કવાયત હાથ ધરાઈ છે. જેના કારણે પણ વિવાદ સર્જાયો છે.

મ્યુનિ. રિક્રિએશનલ કમિટીના ચેરપર્સન બીજલ પટેલને પૂછતાં તેઓ કહે છે, બગીચા ૧૦,૦૦૦ સ્કે.મીટરથી મોટો હોય ત્યાં અમૂલ પોતાનું પાર્લર ઊભું કરશે. ભૂતકાળમાં મ્યુનિ. બગીચાની જાળવણી માટે ટેન્ડર બહાર પડાયા હતા. પરંતુ કોઈએ રસ ન દાખવતાં ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (મધર ડેરી) હસ્તક આ બગીચાઓને પીપીપી ધોરણે જાળવણી માટે અપાયા છે.

અા ઉપરાંત ચાંદલોડિયા વોર્ડના વંદે માતરમ્ સિટી પાસે તંત્ર દ્વારા નવો બગીચો બનાવવા રૂ.૧.૬૪ કરોડના ખર્ચે અંદાજ તૈયાર કરાયો છે. વાસણા વોર્ડના પ્રો. ચૈતન્ય ખંભોળજા ગાર્ડન (પ્રજાપતિ ગાર્ડન)ને નવેસરથી વિકસિત કરવા રૂ.૧૭,૦૪ લાખના ટેન્ડરને પણ મંજૂરી અપાઈ છે.

You might also like