મ્યુનિ. કોર્પો.ના મિસમેનેજમેન્ટથી નાગરિકો પરેશાન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાય વિસ્તારોમાં રોડ રિસરફેસિંગ અથવા ગટર અને ડ્રેનેજ ‌િસસ્ટમનું કામ સતત ચાલતું હોય છે, જોકે મ્યુનિ. અધિકારીઓ તથા કોન્ટ્રાકટર દ્વારા કોઇ પણ પ્લાનિંગ વિના કામગીરી કરાતી હોઇ શહેરીજનો દિવસો સુધી હેરાન થાય છે. શહેરના શ્યામલ ચાર રસ્તા ખાતે પણ ‌િસ્થતિ કંઈક આવી જ છે. છેલ્લા પાંચ દિવસથી એક બાજુ કોર્પોરેશન દ્વારા ગટરનું કામકાજ ચાલે છે જ્યારે બીજી બાજુ ડ્રેનેજ લાઈન માટે પાઈપ નડતરરૂપ બને તેમ મૂકવામાં આવી છે

શ્યામલ ચાર રસ્તા પાસે સાંજના સમયે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાય છે. શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સિટી ગોલ્ડ મ‌િલ્ટપ્લેક્સ નજીક અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ દિવસથી આ કામ શરૂ કરવામાં આવ્યું છે. રસ્તાની એક બાજુ મ‌િલ્ટપ્લેક્સ આવેલું છે, જેના કારણે મૂવી જોવા આવતા લોકો આડેધડ વાહન પાર્ક કરી જતા રહે છે. રસ્તાની એક બાજુ લારીવાલાનું દબાણ છે, જેથી લારી પર નાસ્તો કરવા આવતા લોકો પોતાનું વાહન રસ્તા પર ઊભું રાખી દે છે, જેથી રોડ સાંકડો થઈ જતો હોય છે.

જ્યારે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા ગટરનું કામ ચાલે છે, જેથી લોકોને વાહન પાર્ક કરવા તેમજ ત્યાંથી નીકળવામાં તકલીફ પડતી હોય છે. ડ્રેનેજ સીસ્ટમના કામમાં લેવામાં આવતી પાઈપ મૂકવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે અગાઉ પણ આવી પાઈપ મૂકવામાં આવી હતી અને અઠવા‌િડયા બાદ તેને ઉપાડી લેવામાં આવી હતી. અત્યારે ફરી ડ્રેનેજની પાઈપ મૂકવામાં આવી છે. અા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડીશનલ સિટી ઇજનેર એન. કે. મોદી તેમજ સિટી ઇજનેર જગદીશ પટેલને વારંવાર સંપર્ક કરવા છતાં તેમનો સંપર્ક થઈ સક્યો ન હતો.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રસ્તા પર અવારનવાર કામ કરવામાં આવતું હોય છે. આનાથી રસ્તો સાંકડો થઈ જાય છે. એક બાજુ રોડ પર સ્પીડમાં વાહન ચાલે અને કામના કારણે રસ્તો સાંકડો થઈ જતો હોય છે તો ચાલવું ક્યાં તે સમસ્યા ઊભી થાય છે.
સરોજ જાની, શ્યામલ

આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક જામ થતો હોય છે. લોકો બે-પાંચ મિનિટનું કામનું કહી કલાકો સુધી વાહન મૂકી જતા રહે છે. આગળ પાર્કિંગમાં મૂકવામાં આવેલા વાહન આડેધડ પાર્ક કરેલા વાહનના કારણે નીકળતાં પણ નથી.
અમરીશ જાની, શાહપુર

વરસાદના સમયે પાણી ભરાઈ જતું હોય છે, માટે કોર્પોરેશન દ્વારા અત્યારથી કામ કરવામાં આવે છે તે સારું છે. જ્યારે કોર્પોરશન દ્વારા કામ ચાલુ છે અને વાહન મૂકવાની જગ્યા નથી તેમ છતાં મ‌િલ્ટપ્લેક્સમાં આવેલા લોકો ગમે ત્યાં વાહન મૂકી જતા રહે છે.
યોગેશ મોદી, ચંદ્રનગર

છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગટરનું કામ કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ ડ્રેનેજના કામ માટે સરકાર દ્વારા રસ્તો રોકાઈ જાય તેમ પાઈપ મૂકવામાં આવી છે. કોર્પોરેશનનું કામ પણ થોડું ધીમું ચાલે છે.
સુબોધ ગુપ્તા, સેટેલાઈટ

એક બાજુ લારીવાળા ઊભા રહે, બીજી બાજુ ડ્રેનેજની પાઈપો અને ત્રીજી બાજુ કોર્પોરેશનનું કામ ચાલે અને અમારો રોડ સાંકડો બને, જેથી ટ્રાફિકની સમસ્યા ઊભી થવાની છે. હોર્ન વગાડવા છતાં લોકો વાહન સાઈડમાં લેતા નથી.
ધવલ પટેલ, વાસણા

You might also like