મ્યુનિ.ને અંધારાંમાં રાખી મેટ્રો રેલનું કામ કરાતાં પાણીની લાઈનો તૂટી

અમદાવાદ: તાજેતરમાં મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ નવાં પિલ્લરના નિર્માણની કામગીરીમાં પૂર્વ વિસ્તારમાં એક મહિનામાં ત્રણ ત્રણ વખત પીવાનાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો આની સાથે સાથે સ્થાનિક વિસ્તારોમાં બીજા દિવસે પાણીનો કકળાટ સર્જાયો હતો. દરમ્યાન મેટ્રો રેલના કોન્ટ્રાકટર જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેકટ કોર્પોરેશનને અગાઉથી જાણ કર્યા વગર પિલ્લરનું કામ કરતા હોઇ આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ગયા ગુરુવારે અમરાઇવાડી સ્વસ્તિક ચાર રસ્તા નજીકના અર્બન હેલ્થ સેન્ટર સામે મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ નવાં પિલ્લર માટે ડ્રિલિંગની કામગીરી ચાલતી હતી. તે વખતે પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

આ કોન્ટ્રાકટરને રૂ.ર૭૮ કરોડની માતબર રકમનો કોન્ટ્રાકટ અપાયો છે. તેમ છતાં કોન્ટ્રાકટર પિલ્લરના નિર્માણ દરમ્યાન કોર્પોરેશનને વિશ્વાસમાં લેતા ન હતા. જેના કારણે અમરાઇવાડી વિસ્તારમાં જ પાંચ દિવસમાં બે બે વખત મોટું ભંગાણ પડ્યું હતું. જ્યારે એક મહિનામાં ત્રણ ત્રણ વખત મેટ્રો રેલની કામગીરી દરમ્યાન પાણીની લાઇન તૂટતાં ખુદ મેટ્રો રેલના પ્રોજેકટના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા છે. જેના કારણે હવે પછી નવાં પિલ્લરના નિર્માણ સમયે કોર્પોરેશનના ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓને હાજર રાખવાનો નિર્ણય મેટ્રો રેલ પ્રોજેકટના સત્તાવાળાઓએ લીધો છે.

અમરાઇવાડી, ઇન્દ્રપુરી વોર્ડમાં પાણીનો કકળાટ સર્જાતા ઇન્દ્રપુરી વોર્ડના કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન રમેશ દેસાઇ પણ બેબાકળા થયા છે. ટોરેન્ટ, બીએસએનએલ, અદાણી, રિલાયન્સ જેવી કંપનીઓ સામે ભંગાણ કે અન્ય કોઇ પ્રકારની નુકસાની પેટે કરાતી આર્થિક પેનલ્ટીનો નિયમ કોન્ટ્રાકટર જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેકટ સામે પણ અમલમાં મૂકવાની તૈયારી દાખવી છે. રમેશ દેસાઇ કહે છે, “ટૂંક સમયમાં મેગા કંપની સામે કોર્પોરેશન સંયુક્ત બેઠક કરશે મેટ્રો રેલ પ્રોજેકટ શહેરીજનો માટે અગત્યનો હોઇ બંધ તો ન કરી શકાય પરંતુ કોન્ટ્રાકટરને પાઠ ભણાવવા લાખો રૂપિયાની આર્થિક પેનલ્ટી લેવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
http://sambhaavnews.com/

You might also like