મ્યુનિ.ની બજેટ બેઠકના ચા-નાસ્તા-ભોજનનું ર૦.પપ લાખનું બિલ મુકાયું

અમદાવાદ: ગત તા.૧૬ અને ૧૭ ફેબ્રુઆરી, ર૦૧૭એ કોર્પોરેશનના ગાંધી હોલમાં બે દિવસીય બજેટ બેઠક મળી હતી. આ બે દિવસીય બજેટ બેઠકમાં દર વર્ષની જેમ કોર્પોરેટર, અધિકારી વગેરે માટે ચા-કોફી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. જેનું આશરે રૂ.ર૦.પપ લાખનું બિલ આવતાં ચર્ચા ઊઠી છે.

આવતી કાલે સાંજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તંત્રની બે દિવસીય બજેટ બેઠક દરમિયાન ચા-કોફી, નાસ્તો અને ભોજનના આશરે રૂ.ર૦.પપ લાખનાં બિલની દરખાસ્તે ચર્ચા જગાવી છે. આ દરખાસ્ત મુજબ કોન્ટ્રાકટર આર.પી. ઇવેન્ટને બજેટ બેઠક વખતે કોર્પોરેટર, અધિકારીને માન્ય મેનુ મુજબ ચા-કોફી, નાસ્તો અને ભોજન પૂરું પાડવાનો કોન્ટ્રાકટ અપાયો હતો. આ કામગીરી તત્કાળ કરવાની હોઇ ટેન્ડર મગાવ્યા સિવાય કે ડિપોઝિટ ભરાવ્યા સિવાય બીપીએમસી એકટની ખાસ જોગવાઇ કરાઇ હતી.

દરમિયાન સોલિડ વેસ્ટ વિભાગ ઘન કચરાના નિકાલની કામગીરીનું આધુનિકીકરણ કરવા ઉત્તર ઝોનના નરોડા વોર્ડ, નવા પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ અને પૂર્વ ઝોનના રખિયાલ વોર્ડ ખાતે રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં વ્યાપક ગેરરીતિ થતાં કોર્પોરેશન દ્વારા બે કોન્ટ્રાકટર નયન સી. શાહ અને સૌમ્ય કન્સ્ટ્રકશન તેમજ પશ્ચિમ ઝોનના જૂના વાડજ ખાતેના રેફયુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાની કામગીરીમાં વ્યાપક ગેરરીતિ આચરતા કોન્ટ્રાકટર એમ. પટેલ એન્ડ કંપની એમ ત્રણ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરાયા હતા, પરંતુ હવે જે પ્રકારની તંત્રની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાઇ છે તેને જોતાં આ સમગ્ર કૌભાંડમાં સરવાળે ભીનું સંકેલાઇ જાય તેવી શકયતા હોવાનું જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like