લૉ ગાર્ડન અને પરિમલ ગાર્ડનને પીપીપી ધોરણે અદ્યતન બનાવાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ લો ગાર્ડન તેમજ તેની નજીક આવેલા પરિમલ ગાર્ડનને પીપીપીના ધોરણે અદ્યતન બનાવવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે.શહેરીજનોમાં દાયકાઓથી લો ગાર્ડન મશહુર છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા લો ગાર્ડન અને તેની ખાણીપીણી બજાર તેમજ ચણિયાચોળી બજારની મોટાભાગના બહારગામથી આવેલા મુલાકાતીઓ એકવાર તો અચુક મુલાકાત લે છે. લો ગાર્ડનની જાળવણીનું કામ કોર્પોરેશન દ્વારા આશિયાના ગ્રૂપને સોંપાયું છે.

લો ગાર્ડન પાસે જ આવેલો પરિમલ ગાર્ડન પણ લોકપ્રિય ગાર્ડન છે. ટોરેન્ટ ગ્રૂપને પરિમલ ગાર્ડનની જાળવણીનું કામ સોંપાયું છે. લો ગાર્ડન અને પરિમલ ગાર્ડન તાજેતરમાં ઉનાળાના વેકેશનમાં બાળકો માટે આનંદ ઉલ્લાસનું સ્થળ બન્યા છે. ભૂલકાંઓને લઇને આવતા પરિવારોથી આ બંને ગાર્ડન ધમધમી રહયા છે.

મ્યુનિ. તંત્ર દ્વારા લો ગાર્ડન અને પરિમલ ગાર્ડનને વધુ આકર્ષક બનાવવાનાં ચક્ર ગતિમાન કરાયાં છે. બાગ બગીચા વિભાગે લોગાર્ડન અનેે પરિમલ ગાર્ડનને નવા રંગરૂપ આપતી ડિઝાઇન બનાવવાની કામગીરી આરંભી છે. અગામી દશેક દિવસમાં આ બંને ગાર્ડનની ડિઝાઇન તૈયાર થઇને કમિશનર ડી. થારા સમક્ષ મંજૂરી માટે મુકાઇ જશે.

કમિશનર ડી. થારા સુચિત ડિઝાઇનમાં આવશ્યક ફેરફાર સૂચવીને તેના આધારે બાગ બગીચા વિભાગ અંતિમ ડિઝાઇન તૈયાર કરશે. ત્યારબાદ લો ગાર્ડન, પરિમલ ગાર્ડનની નવા રંગરૂપના આધારે કામગીરીનો અંદાજ તૈયાર કરાશે. તંત્ર અંદાજ આધારિત ટેન્ડર બહાર કાઢશે. આ તમામ પ્રક્રિયામાં સહેજે બે ત્રણ મહિના લાગશે. એટલે દશેરા,દિવાળી સુધીમાં લો ગાર્ડન અને પરિમલ ગાર્ડનની કાયાપલટ કરનારા પ્રોજેકટનું સત્તાધીશો દ્વારા ભૂમિપૂજન કરાશે. બાગ બગીચા વિભાગના સૂત્રો વધુમાં કહે છે કે, “આ બંને ગાર્ડનના વિકાસ માટે ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા ખર્ચાશે તેમજ પીપીપીના ધોરણે તેનો વિકાસ કરાશે.

You might also like