બુકિંગમાં ગેરરીતિઓ અને ભળતા કાર્યક્રમો સામે તંત્રની કડકાઈથી વિવાદ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ટાઉન હોલ, ટાગોર હોલ તેમજ મંગલ પાંડે ઓડિટો‌િરયમમાં જે તે શોનાં જ બુકિંગ દરમ્યાન અનેક કૌભાંડો થતાં હતાં. બુકિંગ કરાવનાર વ્યક્તિ બુકિંગ કરાવ્યા બાદ વધારે નાણાં લઇને અન્ય વ્યક્તિને વધારે રકમ પડાવીને તે હોલ ફાળવી દેતી હતી. આ પ્રકારના કૌભાંડ પર  અંકુશ મૂકવા ગત સ્ટેન્ડિંગ કમિટીમાં તંત્ર દ્વારા શો બુકિંગના કેટલાક નિયમોમાં ફેરફાર કરાયા હતા, જોકે શો બુકિંગનો વિવાદ વધુ વકરશે.

તંત્રના આ ત્રણેય હોલના શો બુકિંગમાં ચાલતી ગેરરીતિઓના સંદર્ભમાં કમિશનર મુકેશકુમારની રૂબરૂ મુલાકાત લઇને અરજદાર પિના‌િકન ઠાકોરે ઉગ્ર રજૂઆત કરી હતી. આ રજૂઆતોના પગલે કમિશનર મુકેશકુમારે નિયમોમાં સુધારા-વધારા કર્યા છે, જે મુજબ બુકિંગ કરનાર વ્યક્તિ અને સંસ્થાના નામે જ પોલીસ પર‌િમશન હોવી જરૂરી છે. બન્ને જુદાં જુદાં ન હોવાં જોઇએ. બુકિંગ રદ કરવાના મામલે અન્ય કોઇ વ્યક્તિ કે સંસ્થાને બુકિંગ તબદીલ કરી શકાશે નહીં. બુકિંગ કરાવનાર વ્યક્તિ કે સંસ્થાએ પ્રોફેશનલ ટેક્સ ભરેલો હોવો જોઇએ.

બુકિંગના સાત દિવસ પહેલા ભાડા જેટલી ડિપોઝીટનો ડીડી તંત્રમાં જમા કરવવાનો રહેશે. તેમાં પણ ખાસ તો બુકિંગ કરાવનાર વ્યક્તિ કે સંસ્થા જ્યારે બુકિંગ કરાવવા માટે ફોર્મ ભરે ત્યારે કાર્યક્રમ કે નાટકનું નામ અથવા ટાઇટલ ફર‌િજયાતપણે ફોર્મમાં લખવાનાં રહેશે. અત્યાર સુધી આ મામલે તંત્ર સાથે છેતર‌િપંડી કરાતી હતી, પરંતુ હવેથી ફોર્મમાં દર્શાવ્યા કરતાં અલગ પ્રકારથી કાર્યક્રમ કે નાટક કરવા દેવામાં આવશે નહીં તેવી પણ કડકાઇ નવા નિયમમાં કરાતાં કેટલાક આયોજકોમાં ચણભણ ઊઠી છે. આવતી કાલે સાંજે ચાર વાગ્યે ઠાકોરભાઇ દેસાઇ હોલમાં આ આયોજકોએ તાકીદની બેઠક બોલાવી છે, જેમાં કોર્પોરેશનના નવા નિયમોનો વિરોધ કરીને તે સંદર્ભમાં કાર્યક્રમો જાહેર કરાશે.

You might also like