‘માન ન માન, મૈં તેરા સુલેમાન’

અમદાવાદ: આપણે સૌ ‘અતિથિ દેવો ભવ’માં માનીએ છીએ. તેમાં પણ ગુજરાતમાં જે પ્રકારે આતિથ્ય સત્કારની ભાવના છે તેવી તો સમગ્ર ભારતવર્ષમાં જોવા મળતી નથી. કદાચ આના કારણે ગુજરાતની આર્થિક પાટનગર અમદાવાદના ‘સત્તાવાર’ મહેમાનોની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે. મહિનામાં દસથી બાર દેશનાં વિભિન્ન શહેરો કે વિશ્વના દેશોના સત્તાવાર પણ ચિત્ર વિચિત્ર પ્રતિનિ ધિમંડળો અમદાવાદનો આંટો મારી જાય છે. જેમાં કેટલાંક પ્રતિનિધિ મંડળોનો ઠાઠમાઠ તો ‘માન ન માન, મૈં તેરા સુલેમાન’ જેવો મ્યુનિ. કોર્પોરેશન સાથે જોવા મળ્યો છે.

આગામી તા.૨, સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશમાંથી સિનિયર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓફિસર ફિલ્ડ જેવું અટપટું પ્રતિનિધિ મંડળ અમદાવાદની મુલાકાતે આવશે. આ પ્રતિનિધિ મંડળની તહેનાતમાં સવારના નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી વિવિધ મ્યુનિ. ઉચ્ચ અધિકારીઓ રહેશે. આ લોકો આવતાંની સાથે રિવરફ્રન્ટની સહેલ માણશે. બપોરે ફાઈવસ્ટાર હોટલમાં લંચ લેશે, નહેરુનગરથી કાંકરિયા બીઆરટીએસની સફર કરીને કાંકરિયા લેક ફ્રન્ટ અને કિડ્સ સિટી પણ જશે. નહેરુનગરથી કાંકરિયા, બીઆરટીએસની સફર કરીને કાંકરિયા લેકફ્રન્ટ અને કિડસ સિટી પણ જશે. આની સાથે સાથે અમદાવાદનું પ્રેઝન્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હાઉસિંગ, એસટીપી, ઈ-ગવર્નન્સ, સીસીઆરએસ, કોતરપુર વોટર વર્કસ, બીઆરટીએસ કંટ્રોલરૂમ પણ જોવા જશે.

હજુ ગઈ કાલે જ ગોવાની માર્મગોવા મ્યુનિ. કાઉન્સિલના એકવીસ સભ્યોના પ્રતિનિધિ મંડળે શહેરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળની આગતા સ્વાગતામાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ રોકાયેલા રહ્યા હતા. જે પ્રકારે અમદાવાદમાં જે તે શહેર, રાજ્ય કે વિદેશના પ્રતિનિધમંડળો અમદાવાદ દોડી આવે છે. તેનાથી આ ઉચ્ચ અધિકારીઓ ત્રાસી ઉઠ્યા છે. ઉચ્ચ અધિકારીઓ એક વર્ગ કહે છે, ‘મોટા ભાગના પ્રતિનિધિ મંડળો હરવા ફરવા આવતા હોય છે. તેમને ફાઈવ સ્ટાર હોટલના ભોજનમાં વધુ રસ હોય છે. અમદાવાદ જેવું માન-સન્માન દેશના બીજાં શહેરોમાં મળતું નથી.

એટલે હવે મહિનાના દસથી બાર પ્રતિનિધિ મંડળો આવવા લાગ્યાં છે. જેમની સરભરામાં અમારો સમય વેડફાઇ રહ્યો છે. રાજ્ય સરકારમાં જે પ્રકારે મહેમાનોના સ્વાગત માટે પ્રોટોકોલ વિભાગ અને પ્રોટોકોલ અધિકારી છે, તેવી વ્યવસ્થા કોર્પોરેશનમાં પણ રાખવી જરૂરી બની છે.’

You might also like