મ્યુનિ. બગીચાઓમાં પાણી પાવાના ટેન્કરના ‘કાગળ’ પરના ફેરા અટકશે નહીં!

અમદાવાદ: મ્યુનિ. સત્તાધીશો ભલે ‘ક્લીન, ગ્રીન એન્ડ બ્લૂ અમદાવાદ’ના ઢોલ નગારાં વગાડે છે, પરંતુ અમદાવાદ રાજ્યના ગ્રીન સિટીમાં પણ છેક સાતમા ક્રમાંકે છે, કેમ કે મ્યુનિ. બાગ-બગીચા વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે. કોર્પોરેશનના સૌથી મોટા ઝોન એવા નવા પશ્ચિમ ઝોનના બગીચાઓની હાલત કફોડી છે. તેમ છતાં દર વર્ષે બગીચાઓને વોટર ટેન્કર દ્વારા પાણી પાવાના કાગળ પર જ ફેરા થતા હોઇ મ્યુનિ. તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો તો લાગે જ છે, પરંતુ આપણું અમદાવાદ હરિયાળું બનતું નથી.

શહેરમાં મ્યુનિ. માલિકીના ૨૩૦ બગીચા છે, જે પૈકી અડધોઅડધ બગીચા એક ખાનગી કંપનીને સોંપાયા છે. નવા પશ્ચિમ ઝોનની વાત કરીએ તો આ ઝોનમાં સૌથી વધુ ૯૪ બગીચા છે. નવા પશ્ચિમ ઝોનના બગીચા, ટ્રાફિક આઇલેન્ડ, રોડ સાઇડ સેન્ટ્રલ વર્ક, મોડલ રોડના પ્લાન્ટેશનને પાણી પાવા માટે પુનઃ બાગ-બગીચા વિભાગે લગભગ રૂ. ૯૮ લાખનો અંદાજ મૂકીને ખળભળાટ મચાવી દીધો છે, જોકે બગીચાઓની યાદી ગાયબ છે. ચાર હજાર લિટરનાં વોટર ટેન્કરથી પાણી સપ્લાય કરવાના કામમાં કૌભાંડ ચાલતાં હોવાની જાણકારી શાસકોને પણ છે. એટલે જ વોટર ટેન્કરના કાગળ પરના ફેરાને અટકાવવા શાસક પક્ષે જે તે ટેન્કર ચાલક પાણીનો છંટકાવ કર્યા બાદ સ્થાનિક લોકોની સહી મેળવે તેવો નિયમ તાજેતરમાં દાખલ કર્યો છે. તેમ છતાં બનાવટી સહી કરાઇ છે કે કેમ તેનું ક્રોસ ચેકિંગ બાગ-બગીચા વિભાગ જ કરતું હોઇ સરવાળે કુલડીમાં ગોળ ભંગાય છે.

નવા પશ્ચિમ ઝોનના બગીચાઓના વોકિંગ ટ્રેક પર ઇંટોનું લાલ છારું પાથરવાના સામાન્ય કામ માટે પણ રૂ. ૨૫ લાખનો અધધ અંદાજ તૈયાર કરાયો છે. જોકે પ્રહ્લાદનગર જેવા પ્રતિષ્ઠિત બગીચાના વોકિંગ ટ્રેકમાં વર્ષે એકાદ વખત લાલ છારું પથરાય છે અને તે પણ વોકર્સના સ્પોર્ટ્સ શૂઝની દશા બગાડે તેવું હોય છે. જોકે રિક્રિએશનલ કમિટીના ચેરપર્સન બીજલ પટેલ તો તંત્રનો બચાવ કરતા કહે છે કે આ વખતે ઇંટોના લાલ છારાના ભાવ વધ્યા હશે એટલે અંદાજ વધુ પડતો લાગે છે!

You might also like