અમદાવાદ મ્યુનિ. તંત્રનું વધુ એક કચરા કૌભાંડ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૌભાંડોની નવાઈ નથી. અનેક કૌભાંડમાં તો ખુદ શાસક ભાજપ પક્ષના કોર્પોરેટરો, આગેવાનોની સીધી કે આડકતરી સંડોવણી હોઈ તંત્રને પણ આંખ આડા કાન કરવાની ફરજ પડે છે. રસ્તાનાં કામોનું કૌભાંડ કહો કે છેલ્લે છેલ્લે જલધારા વોટરપાર્કનું કૌભાંડ ગણો, પરંતુ તંત્રમાં એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ હંમેશાં ગાજતાં જ રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કચરા કૌભાંડનો પણ તોટો નથી તેવામાં વધુ એક કચરા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

કચરામાંથી કંચન પેદા કરવાના સત્તાધીશોનાં બણગાં બોદાં પુરવાર થયાં છે. ગ્યાસપુર ખાતે જે તે કંપનીને કચરામાંથી ખાતર કે વીજળી પેદા કરવા માટે અપાયેલી હજારો ચોરસ મીટર જમીન તંત્રને પરત લેવાની ફરજ પડી છે, કેમ કે વર્ષો બાદ પણ આવી લેભાગુ કંપનીના પ્લાન્ટ ફક્ત કાગળ પર જ રહ્યા હતા. આજે પણ ગ્યાસપુરમાં દરરોજ ૪૦૦૦ મે‌િટ્રક ટન ઘનકચરો ઠલવાતો હોઈ કચરાનો ડુંગર વધુ ને વધુ મોટો થઈ રહ્યો છે. તાજેતરમાં કચરાના આ ડુંગરનો કેટલોક હિસ્સો ધરાશાયી થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અવનવાં કચરા કૌભાંડને અટકાવવામાં સદંતર નિષ્ફળ નીવડેલું તંત્ર હવે જાણ-અજાણે કચરાનું રિસાઈક‌િલંગ કૌભાંડ કરવા જઈ રહ્યું છે. આવતી કાલે નેપ્રા કંપની સાથે મ્યુનિસિપલ સત્તાવાળાઓ કચરાના રિસાઈક‌િલંગ પ્રોજેક્ટ હાથ ધરશે.

પીપીપી ધોરણે હાથ ધરાનારા આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આવતી કાલે સવારે મેયર ગૌતમ શાહ કરશે, જેમાં કમિશનર મૂકેશકુમાર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ, પ્રમોદાબહેન સુતરિયા, બિપિન સિક્કા, લાલાભાઈ ઠાકોર અને દિનેશ દેસાઈ હાજર રહેશે.

કોમર્શિયલ એક્ભોમાંથી એકઠાે કરાતો કચરો કોન્ટ્રાક્ટરો ગ્યાસપુર ખાતે નેપ્રા કંપનીને આપશે. ગ્યાસપુરમાં નેપ્રા કંપનીને રિસાઈક‌િલંગ માટે ૪૦૦૦ ચો.મીટર જમીન મફતમાં અપાઈ છે. કંપનીના પ્લાન્ટ દ્વારા દૈનિક ૧૦૦ મે‌િટ્રક ટન કચરાનું રિસાઈક‌િલંગ કરવાનો દાવો કરાઈ રહ્યો છે. આ છ મહિનાનો પાઇલટ પ્રોજેક્ટ છે, પરંતુ હજુ સુધી કચરાનું રિસાઈક‌િલંગ કર્યા બાદ તેની ઉપયોગિતા અંગે કોઈ સ્પષ્ટતા નથી, જેના કારણે તંત્રના નવા કચરા કૌભાંડની ચર્ચા ઊઠી છે.

You might also like