ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્વ ઝોનની ચતુર્વર્ષીય આકારણી હાથ ધરાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓક્ટ્રોયની આવક બંધ થયા બાદ હવે પ્રોપર્ટી ટેક્સ જ આવકનો એકમાત્ર સ્રોત છે. પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા માટે જે તે ઝોનની ચતુર્વર્ષીય આકારણી સમયસર થવી જરૂરી છે. ગત નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં તંત્રે પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીની કામગીરી હાથ ધરી હતી. ચાલુુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં પૂર્વ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. પ્રોપર્ટી ટેક્સ વિભાગ કોર્પોરેશનનો એકમાત્ર કમાઉ દીકરો હોવા છતાં આ વિભાગ તરફ તંત્ર ઉપેક્ષા દાખવી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે ટેક્સ વિભાગમાં ૪૦ ટકા સ્ટાફની ઘટ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત નાણાકીય વર્ષમાં મધ્ય અને પશ્ચિમ ઝોનમાં ચતુવર્ષીય આકારણી હાથ ધરાઇ હતી, પરંતુ અગાઉના ઉત્તર ઝોનમાં સમાવેશ પામેલા અસારવા વોર્ડની અંદાજે ૧પ,૦૦૦ મિલકત મધ્ય ઝોનમાં આવતાં તેમજ નવા પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડની આશરે ૩૦,૦૦૦ મિલકતનો પશ્ચિમ ઝોનમાં સમાવેશ થવાના પગલે ટેક્સ વિભાગની ચતુર્વર્ષીય આકારણી દરમિયાનની મહેનત વધીને જે તે ઝોનની આકારણીને નિર્ધારિત સમયમાંં પૂર્ણ કરવાની સમયમર્યાદા જળવાઇ ન હતી

હવે ગત તા.૧ એપ્રિલ, ર૦૧૭થી પ્રારંભ થયેલા ર૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં તંત્ર આગોતરા આયોજનરૂપે પૂર્વ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણી હાથ ધરશે. આમ તો કોર્પોરેશન ચાલુ વર્ષે પણ બે ઝોનમાં ચતુર્વર્ષીય આકારણી હાથ ધરવાનું હતું, પરંતુ પૂર્વ ઝોન અન્ય બાકી ઝોન કરતાં મોટો છે. પૂર્વ ઝોનમાં આશરે ચાર લાખ મિલકત છે, જે પૈકી ૭૦ ટકા રહેણાક અને ૩૦ ટકા બિનરહેણાક હોઇ સત્તાધીશો ફક્ત પૂર્વ ઝોન ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરશે.

પૂર્વ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણી કરવા માટે ટેક્સ વિભાગનો સ્ટાફ જ મેદાનમાં ઊતરશે. એક મિલકતની આકારણી પેટે કોર્પોરેશનના કર્મચારીને પાંચ રૂપિયા ચૂકવાશે.
http://sambhaavnews.com/

You might also like